
અમદાવાદઃ ઘરનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. પરંતુ ઘણા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આ સપનું માત્ર એક સ્વપ્ન બની રહે છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સંવેદનશીલ વહીવટ અંતર્ગત ઘર વિહોણા પરિવારો માટે રાજ્ય સરકાર દ્વારા ગામતળ નીમ કરવા તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટ ફાળવવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી.
આ યોજના હેઠળ એક જ દિવસમાં અમદાવાદના દસક્રોઈ તાલુકાના ઓડ ગામના ૪૧ પ્લોટ વિહોણા લાભાર્થીઓને સ્થળ પર જ પ્લોટ ફાળવણી હુકમ, પ્લોટની સનદ અને કબજા પાવતી (હક) આપીને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું હતું. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અમલી યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ઘર વિહોણા કુટુંબોને પોતાનું ઘર બનાવવા માટે ૧૦૦ ચોરસ વારના પ્લોટ વિનામૂલ્યે આપવાનો છે.
આ યોજના હેઠળ, પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્લોટ ફાળવવાની ઝુંબેશ તા. ૨ સપ્ટેમ્બરથી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫એ દસ્ક્રોઈ તાલુકાના ઓડ ગામે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઓડ ગામના ૪૧ પ્લોટ વિહોણા લાભાર્થીઓને સ્થળ પર જ પ્લોટ ફાળવણી હુકમ, પ્લોટની સનદ અને કબજા પાવતી (હક) આપવામાં આવી છે. ગ્રામ પંચાયતથી મહેસૂલ વિભાગ સુધી માત્ર ૧૫ દિવસના ટૂંકા સમયગાળામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને જરૂરીયાતમંદોને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે લાભાર્થીઓને આ પ્લોટના દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગુજરાત સરકારની આ જનકલ્યાણકારી યોજનાની પ્રશંસા કરી જણાવ્યું હતું કે, અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક નાગરિકને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના “સૌને આવાસ”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ યોજના એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે.
ઓડ ગામના આ ૪૧ પરિવારો માટે આ પ્લોટ માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ તે તેમના ભવિષ્યનો આધાર છે. હવે તેઓ પોતાના સપનાનું ઘર બનાવી ગૌરવભેર જીવન જીવી શકશે. આ યોજનાએ દર્શાવ્યું છે કે ગુજરાત સરકાર માત્ર કાયદાઓ અને નિયમોનું પાલન પ્રત્યે જ નહીં પરંતુ નાગરિકોની જરૂરિયાતો પ્રત્યે પણ તેટલી જ સંવેદનશીલ છે.
આ પણ વાંચો…નવરાત્રીથી દેશમાં લાગુ થયેલા જી.એસ.ટી. રિફોર્મ્સને લઈ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?