અમદાવાદ

ગુજરાત સરકારે જન્મ-મરણના પ્રમાણપત્રમાં કર્યો મહત્વનો સુધારોઃ બાળકના પિતાનું નામ ફરજિયાત

અમદાવાદઃ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જન્મ-મરણના દાખલા સંબંધિત એક મોટો ફેરફાર કર્યો છે. જે અનુસાર જન્મના પ્રમાણપત્રમાં બાળકના જૈવિક પિતાનું નામ દાખલ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ સાથે છૂટાછેડા લીધેલા દંપતીઓ, સિંગલ પેરેન્ટ્સ અને નામમાં અટક કે ક્રમ બદલવા માંગતા અરજદારો માટે પણ સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

માર્ગદર્શિકા અનુસાર જો બાળકના માતા-પિતાના છુટાછેડા થયા હોય અને કોર્ટના આદેશ મુજબ કસ્ટડી માતા પાસે હોય તો તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં નામની પાછળ માતાનું નામ અને અટક લખી શકાશે, આ ફેરફાર માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. જોકે પિતાના નામની કૉલમમાં જૈવિક પિતાનું નામ લખવું ફરજિયાત રહેશે, તેમ નવા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું.

આ સાથે જો અરજદાર ઈચ્છે તો બાળકના નામ પાછળ પિતાનું નામ અને અટક લખવાની ટાળી શકે છે અને માત્ર બાળકનું નામ જ લખાવી શકશે. આ સાથે નવા નિયમ અનુસાર અરજદાર ક્રમાંક પણ નક્કી કરી શકે છે. એટલે કે પહેલા અટક લખવી હોય, પછી બાળકનું નામ અને પછી પિતાનું નામ લખવું હોય તો પણ લખી શકાશે.

હવેથી બાળકના નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ (દા.ત. અટક, બાળકનું નામ, પિતાનું નામ) રાખવું હોય તો તે પણ માન્ય ગણાશે. જો બાળક વચ્ચે પિતાનું નામ રાખવા ન માગે તો તેને તે કાઢવાની પરવાનગી આપવામાં આવશે.

હવે મરણના દાખલાની વાત કરીએ તો મૃત્યુ પામનારાના નામ પાછળ પિતા કે પતિનું નામ વૈકલ્પિક છે, એટલે કે ફરજિયાત નથી. આવી જ રીતે પિતા કે પતિની અટક પણ ફરજિયાત નથી, તેમ નવી માર્ગદર્શિકા જણાવે છે. આ સાથે જો સંજોગો અને નિયમો બદલાય અને જરૂર પડે તો જન્મ-મરણની નોંધમાં રજિસ્ટ્રાર દ્વારા એક કરતા વધારે વાર ફેરફાર કરી શકાશે.
રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને આ માર્દર્શિકાનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આપણ વાંચો:  મોર્ફ તસવીરોથી બ્લૅકમેઈલ કરીને યુવતીને આત્મહત્યા માટે ઉશ્કેરી: યુવાનની ધરપકડ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button