ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલના વેચાણ પર ટેક્સમાંથી થઈ અબજોની કમાણી, આંકડો જોઈને ચોંકી જશો

અમદાવાદઃ ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલના વેચાણ પર ટેક્સમાંથી અબજોની કમાણી થઈ હતી. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, વર્ષ 2024-25માં પેટ્રોલિયમ પદાર્થના વેચાણથી રાજ્યને સેલ્સ ટેક્સ અને વેટની 24,500 કરોડની આવક થઈ હતી.
સંસદના પૂરા થયેલા શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર નાણાકીય વર્ષ 2024-25માં (કામચલાઉ ધોરણે) ગુજરાતે ઇંધણના વેચાણ પરના વેટ અને સેલ્સ ટેક્સ દ્વારા રૂ. 24,586.2 કરોડની જંગી આવક મેળવી હતી. આ ઉપરાંત, રાજ્ય સરકારે આ પેદાશો પર સ્ટેટ જીએસટીપેટે પણ રૂ.2980.2 કરોડની કમાણી કરી હતી.
છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર
છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતની આવકમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2020-21માં પેટ્રોલિયમ પેદાશોમાંથી થતી વેટની આવક રૂ. 15,140.8 કરોડ હતી, જે 2024-25 સુધીમાં વધીને રૂ. 24,500 કરોડને પાર કરી ગઈ છે. વર્ષ 2022-23માં આ આવક રૂ. 24,631.2 કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી, જે રાજ્યમાં ઇંધણના સતત વધી રહેલા વપરાશ અને આર્થિક ગતિવિધિઓને સૂચવે છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલી વર્ષવાર વિગતો અનુસાર નાણાકીય વર્ષ 2022-21માં સેલ્સ ટેક્સ રૂ.15140.8 કરોડ હતો, જે વર્ષ 2021-22માં રૂ. 20697 કરોડ, 2022-23માં રૂ. 24,631.2 કરોડ, 2023-24માં રૂ. 23604.9 કરોડ અને વર્ષ 2024-25માં રૂ. 24,586.2 કરોડ રહ્યો હતો.



