Gujarat સરકારે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા 467.50 કરોડની ફાળવણી કરી

અમદાવાદ : ગુજરાત(Gujarat)સરકાર રાજયના સર્વાંગી વિકાસ અંતર્ગત પરિવહન સુવિધાને પ્રાધાન્ય આપી રહી છે. સરકાર લોકો અને ઉદ્યોગોને સારી પરિવહન સેવા મળે તે માટે ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવી રહી છે. જેના ભાગરૂપે સરકારે રાજ્યમાં સાંકડા પુલો-સ્ટ્રકચર્સને પહોળા કરવા 467.50 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જેમાં ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારને જોડતા 29 માર્ગોના રીસરફેસિંગ અને પહોળાઈ વધારવા 190 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
પાકા માર્ગો બનાવવા 189.90 કરોડ રૂપિયા મંજૂર
ગુજરાત સરકારે સાંકડા પુલો-સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 20 રસ્તાઓના કામો માટે 245.30 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે હવે વધુ 11 માર્ગોને પહોળા કરવા 467.50 કરોડ રૂપિયા તેમણે માર્ગ-મકાન વિભાગને ફાળવ્યા છે. જેનાથી 11 સ્થળોએ બોટલનેક પરિસ્થિતિનું નિવારણ આવશે અને સલામત રસ્તા લોકોને મળશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારોને જોડતા 29 રસ્તાઓના મજબૂતીકરણ, વિસ્તૃતિકરણ અને કાચા માર્ગોથી પાકા માર્ગો બનાવવા 189.90 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
73 કામો માટે 1646.34 કરોડ રૂપિયા મંજૂર
તદ્દઅનુસાર, પાંચ રસ્તાની 7.45 કિ.મી લંબાઈમાં કાચા થી પાકા રસ્તા માટે અંદાજે રૂ. 8.80 કરોડ, 8 માર્ગોની 30.68 કી.મી લંબાઈના મજબૂતીકરણ માટે રૂ. 47.30 કરોડ તેમજ 16 માર્ગોની 88.50 કી.મી. લંબાઈને જરૂરિયાત મુજબ વાઇડનિંગ કરવા આસરે 133.70 કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય કર્યો છે. જ્યારે ભવિષ્યમાં ઓદ્યોગિક અને ખાણ ખનીજ ક્ષેત્રને લગતા ભારે વાહન વ્યવહારને સારી સુવિધા મળતાં લોજિસ્ટિક્સ યાતાયાત ઝડપી અને સરળ બનશે. સરકારે અત્યાર સુધીમાં આવા માર્ગોની જરૂરી સુધારણાના હેતુસર આ નાણાકીય વર્ષમાં 73 કામો માટે 1646.34 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.