ગુજરાત ગેસ કંપનીએ સીએનજી ગેસમાં કિલોએ દોઢ રૂપિયો વધાર્યો: 6 મહિનામાં ચોથી વખત વધારો ઝીંક્યો
અમદાવાદઃ કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત લોકોને પડતા પર પાટું મારતા હોય તેમ ગુજરાત ગેસ કંપનીએ સીએનજી ગેસમાં પ્રતિ કિલોએ દોઢ રૂપિયો વધાર્યો ઝીંક્યો હતો. નવા વર્ષના પહેલા જ દિવસે સીએનજી ભરાવતા લોકો પર ગુજરાત ગેસ કંપનીએ દોઢ રૂપિયાનો વધારો કર્યો હતો. આ નવો ભાવ વધારો 1 જાન્યુઆરીથી જ અમલી બનતાં વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો હતો, કારણ કે ગયા વર્ષે જ ત્રણ મહિનામાં સતત એક-એક રૂપિયાનો વધારો આવ્યો ને નવા વર્ષે પણ ફરી દોઢ રૂપિયા વધારવાની જાહેરાત થતાં લોકો પર ભારણ વધ્યું છે.
આ પણ વાંચો: મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGનો ભાવ વધાર્યો
ગુજરાત ગેસ કંપનીએ છેલ્લા 6 મહિનામાં જ સીએનજીમાં કિલોદીઠ ભાવમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષા સીએનજી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે કિલોદીઠ સીએનજીના ભાવમાં દોઢ રૂપિયા વધારો કરવામાં આવતાં હવે 79.26 પર પહોંચી ગયો છે. ભાવવધારા પહેલાં જૂનો ભાવ 77.27 રૂપિયા હતો. જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થતો રહેશે તો વાહનચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે અને પ્રદૂષણ વધશે.