
અમદાવાદઃ 11 ફેબ્રુઆરીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈન્ટરનેશનલ ડે ઓફ વિમેન એન્ડ ગર્લ્સ ઈન સાયન્સ તરીકે ઉજવવામાં આવે છે. આ દરમિયાને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC)ના ડેટા મુજબ, 2015-16થી 2025-26 દરમિયાન એન્જિનિયરિંગની બેઠકોમાં વિદ્યાર્થિનીઓની હિસ્સો 14 ટકાથી વધીને 25 ટકા થયો છે. તેનો અર્થ રાજ્યમાં દર 4 એન્જિનયિરિંગ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થિની છે. આ સંખ્યા એન્જિનિયરિંગ માત્ર પુરુષો માટે છે તેવા ખ્યાલને તોડી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા થોડા વર્ષોથી રાજ્યમાં STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ) કોર્સમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે વિદ્યાર્થિનીઓ અત્યાર સુધી માત્ર કોમ્પ્યુટર કે આઈટી જેવી પરંપરાગત બ્રાન્ચ પસંદ કરતી હતી, પરંતુ હવે તેઓ મિકેનિકલ અને સિવિલ એન્જિનિરિંગ પણ પસંદ કરી રહી છે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, PDEU જેવી સંસ્થાઓમાં 2015-16 માં મહિલા રજિસ્ટ્રેશેન 14 ટકા (123 વિદ્યાર્થિનીઓ) હતું, જે આ વર્ષે વધીને 26 ટકા (447 વિદ્યાર્થિનીઓ) પર પહોંચ્યું છે. તેવી જ રીતે, IIT ગાંધીનગર (IIT-Gn) માં વિદ્યાર્થિનીઓની સંખ્યા એક દાયકામાં 85 થી વધીને 245 થઈ છે. મહિલાઓ હવે AI જેવા ઉભરતા ક્ષેત્રોમાં પણ મોખરે છે. બાયોટેક જેવા ક્ષેત્રોમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ નોંધાઈ છે. આ સંસ્થાએ મહિલાઓ માટે ફીમાં 50 ટકા સુધીની માફી આપતી સ્કોલરશિપ પણ શરૂ કરી છે.
જોકે, નિષ્ણાતો માને છે કે આ સંખ્યામાં હજુ સુધારો થવો જોઈએ. વાલીઓ માટે રહેવા-જમવાની સગવડ, સુરક્ષા અને રોજગારીની તકો હજુ પણ ચિંતાના વિષયો છે, પરંતુ નવા ક્ષેત્રો મહિલાઓ માટે વધુ સમાવેશી સાબિત થઈ રહ્યા છે.
જામનગરની વતની અને ગાંધીનગરની પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની તેના પરિવારમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે જનારી પ્રથમ યુવતી છે. તેના કહેવા મુજબ, મને નાનપણથી જ વિજ્ઞાનમાં રસ હતો. AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ML (મશીન લર્નિંગ) દ્વારા મને લાગે છે કે હું ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાખોરી અટકાવવા અને સમાજમાંથી ગુનેગારોને દૂર કરવા જેવી સમસ્યાઓ ઉકેલવા સક્ષમ બનીશ. જ્યારે અન્ય એક વિદ્યાર્થિનીએ કહ્યું, તે પણ તેના પરિવારની પ્રથમ એન્જિનિયર છે. તે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગમાં આગળ વધવા માંગે છે. ટેકનોલોજી જેન્ડર ન્યુટ્રલ છે તે મને ગમે છે. STEM ક્ષેત્રમાં વધુ મહિલાઓ આવવાથી મોટો તફાવત સર્જાઈ શકે છે.



