વિદ્યાર્થીઓના આપઘાત રોકવા સરકારે જાહેર કરી ગાઈડલાઈન

અમદાવાદઃ રાજ્યમાં વિદ્યાર્થીઓમાં આપઘાતની સંખ્યા સતત વધી રહી છે. જેને રોકવા માટે શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટી, કોલેજ અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપર અને કડક ગાઈડલાઈન જાહેર કરી હતી. જે અંતર્ગત તમામ સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી ફરજિયાત બનાવી હતી.
શું છે ગાઈડલાઈનમાં
ગાઈડલાઈન મુજબ, કોલેજ અને યુનિવર્સિટીમાં દર 100 વિદ્યાર્થી એક લાયક કાઉન્સેલર રાખવો પડશે. તેમજ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ સાથે ઔપચારિક રેફરલ વ્યવસ્થા ઉભી કરવી પડશે. પરીક્ષા, અભ્યાસક્રમમાં ફેરફાર અને શૈક્ષણિક દબાણના સમયગાળામાં વિદ્યાર્થીઓને સતત, ગુપ્ત અને સંવેદનશીલ માર્ગદર્શન મેળ તે માટે ખાસ વ્યવસ્થા કરવી પડશે.
આ ઉપરાંત ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે પણ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. કોઈપણ વિદ્યાર્થીને શૈક્ષણિક પરફોર્મન્સના આધારે અલગ પાડવા, જાહેરમાં અપમાનિત કરી શકાશે નહીં. તેનાથી વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધતો હોવાથી તેને સંપૂર્ણપણે બંધ કરવી જરૂરી છે.
ગાઈડલાઈન મુજબ, તમામ સંસ્થાઓએ આત્મહત્યા નિવારણ માટે તાત્કાલિક રેફરલ પ્રોટોકોલ તૈયાર કરવો પડશે. માનસિક સ્વાસ્થ્ય સેવાઓ, નજીકની હોસ્પિટલ અને હેલ્પલાઈન નંબર છાત્રાલય, વર્ગખંડ, કેમ્પસના સામાન્ય વિસ્તારો અને સંસ્થાની વેબસાઇટ પર સ્પષ્ટ રીતે દર્શાવવા ફરજિયાત રહેશે. સાથે જ, શિક્ષક તથા બિન-શિક્ષક સ્ટાફને વર્ષમાં ઓછામાં ઓછા બે વખત માનસિક પ્રાથમિક સારવાર, ચેતવણીના લક્ષણોની ઓળખ અને યોગ્ય રેફરલ પ્રક્રિયા અંગે તાલીમ આપવાની સૂચના છે.
આ ઉપરાંત સરકારે અગાઉ આપઘાતનો પ્રયાસ કરનારા વિદ્યાર્થીઓ માટે સંવેદનશીલ અને ભેદભાવ રહિત વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂક્યો છે. રેગિંગ, ગુંડાગીરી, જાતીય સતામણી કે ભેદભાવ અંગે ગુપ્ત ફરિયાદ વ્યવસ્થા ઉભી કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.



