
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3 જૂને રમાયેલી આઈપીએલ 2025ની ફાઈનલ બાદ કોરોનાના કેસ સતત વધ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં 1000થી વધુ કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે (10 જૂન) 223 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો કુલ આંકડો 1227 પર પહોંચ્યો હતો. હાલ 23 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને 1204 ઓપીડી બેઝ સારવાર લઈ રહ્યા છે. મંગળવારે 105 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં કોરોનાએ ઊંચક્યું માથું
અમદાવાદમાં કોરોનાના કેસમાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 175 કેસ નોંધાયા હતા, એટલે કે દર કલાકે 7 થી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે અમદાવાદમાં 131 નવા કોરોના કેસ નોંધાયા હતા, એટલે કે દર કલાકે સરેરાશ 5 કેસ નોંધાયા હતા.

સૌથ વધુ કેસ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા
અમદાવાદમાં એક જ દિવસમાં 175 જેટલા કોરોનાના કેસો નોંધાયા હતા, જ્યારે 60 જેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 1091 જેટલા કેસો નોંધાયા છે, જેમાંથી 761 જેટલા એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 328 જેટલા લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. સૌથી વધારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા, પાલડી, વાડજ, ચાંદખેડા, સાબરમતી, મોટેરા, રાણીપ, ન્યુ રાણીપ, જગતપુર, થલતેજ, બોપલ, ઘુમા, સેટેલાઈટ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા,ચાંદલોડિયા અને ગોતા સહિતના વિસ્તારોમાં નોંધાયેલા છે.
રાજકોટમાં કોરોનાથી એકનું મોત
રાજકોટમાં કોરોનાના આજે વધુ 9 કેસ નોંધાયા હતા. રાજકોટમાં કોરોનાના કુલ સંક્રમિતોનો આંકડો 116 પર પહોંચ્યો હતો. કોરોનાથી આજે એક વ્યકિતનું મોત થયું હતું. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત નિપજ્યું હતું. શહેરમાં આજે 7 દર્દી કોરોના મુક્ત થયા હતા.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
કોવિડ-19 ડેશ બોર્ડ પ્રમાણે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 6815 પર પહોંચ્યા છે. કેરળ અને ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. કેરળમાં એક્ટિવ કેસનો આંકડો 2053 છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 324 એક્ટિવ કેસ નોંધાયા હતા અને 3 લોકોનાં મોત થયા હતા.
રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં નોંધાયેલા કોરોના કેસ
રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં 1000થી વધારે કેસ નોંધાયા હતા. આઈપીએલ ફાઈનલ બાદ કોવિડ સંક્રમણ વધ્યું છે.
9 જૂનઃ 235
8 જૂનઃ 185
7 જૂનઃ 182
6 જૂનઃ 170
5 જૂનઃ 167
4 જૂનઃ 119
3 જૂનઃ 108