ગુજરાતમાં ઓટોમેશનનો માર: બાંધકામ ક્ષેત્રે મહિલા કામદારોની ભાગીદારીમાં 80 ટકાનો જંગી ઘટાડો

અમદાવાદ: ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રે આમ પણ મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી હતી. પરંતુ એક રિપોર્ટ મુજબ આ ક્ષેત્રમાં ઓટોમેશનના કારણે મહિલાઓની ભાગીદારીમાં આશરે 80 ટકાનો ઘટાડો થયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં મટિરિયલ હેન્ડલિંગ અને કોન્ક્રીટ ઉત્પાદન જેવા કાર્યોમાં ભાગીદારીમાં આ ઘટાડો જોવા મળ્યો હતો.
રિપોર્ટ મુજબ કોન્ટ્રાક્ટરો લાંબા અંતરના પુરુષ સ્થળાંતર કરનારાઓને વધુને વધુ નિયુક્ત કરી રહ્યા છે, તેના પરિણામે ઐતિહાસિક રીતે અમદાવાદના બાંધકામ ઉદ્યોગને ટકાવી રાખનારા ભીલ આદિવાસીઓ અને મહિલા કામદારો હાંસિયામાં ધકેલાઈ ગયા છે.
ડિસેમ્બર 2023થી ફેબ્રુઆરી 2025 દરમિયાન કરવામાં આવેલા આ અભ્યાસમાં સ્થળાંતરિત મહિલા કામદારો, કોન્ટ્રાક્ટરો, એન્જિનિયરો, સેફટી ઓફિસર અને સુપરવાઇઝરો સાથે વાતચીત કરીને તારણો કાઢવામાં આવ્યા હતા. આ સંશોધન અમદાવાદ અને ગાંધીનગરમાં ઓન-સાઇટ અને ઑફ-સાઇટ બંને બાંધકામ પ્રક્રિયાઓને આવરી લેતા ત્રણ હાઇ-રાઇઝ પ્રોજેક્ટ્સ, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, બે ઑટોક્લેવ્ડ એરેટેડ કોન્ક્રીટબ્લોક ફેક્ટરીઓ, એક પ્રીકાસ્ટ ફેક્ટરી અને એક પ્રીકાસ્ટ યાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદના બાંધકામ ઉદ્યોગમાં ઓટોમેશનની શરૂઆત 2010ની આસપાસ થઈ હતી. નવીન ફ્રેમવર્ક, પ્રીકાસ્ટિંગ અને ઑફ-સાઇટ બાંધકામ જેવા ટેકનિકલ ફેરફારો શ્રમ-સઘન પ્રક્રિયાઓને ઘટાડે છે. બાંધકામ ઉદ્યોગની મહિલા કામદારોની કુશળતા પર ધ્યાન આપવામાં આવ્યું નથી, જેના કારણે તેમની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
અભ્યાસમાં એ પણ બહાર આવ્યું કે ફોર્મવર્કમાં એલ્યુમિનિયમ અને સ્ટીલ કમ્પોઝિટ સ્ટ્રક્ચર્સ જેવા નવીનીકરણના પરિણામે ઓન-સાઇટ કામદારોમાં 40થી 50 ટકાનો ઘટાડો થયો હતો. તેમજ પ્રીકાસ્ટ ટેકનોલોજી અપનાવવાથી ચણતર અને પ્લાસ્ટરિંગમાં મહિલાઓની પરંપરાગત મદદનીશની ભૂમિકાઓમાં ભારે ઘટાડો થયો હતો.
રિપોર્ટ મજબ કોવિડ-19 મહામારી પહેલા અમદાવાદમાં લગભગ 1500 બાંધકામ સ્થળ હતા, જે મહામારી દરમિયાન ઘટી ગયા હતા. આજની તારીખે શહેરમાં લગભગ 2200 સ્થળ પર બાંધકામ ચાલુ છે.