ગુજરાત કોંગ્રેસે કહ્યું કેન્દ્રીય બજેટમાં રાજ્યની અવગણના નિરાશાજનક બજેટ…
અમદાવાદઃ કેન્દ્રીય બજેટમાં(Budget 2025)ગુજરાતની અવગણના કરવામાં આવી હોવાની પ્રતિક્રિયા ગુજરાત કોંગ્રેસે આપી છે. તેમજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે બજેટને રાજ્ય માટે નિરાશા જનક ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય બજેટ માટે એક ગુજરાતી તરીકે મને અને તમામ ગુજરાતીઓને અપેક્ષા હતી કે ‘મોસાળમાં લગ્ન અને મા પીરસનાર હોય’ ત્યારે આપણા ગુજરાત માટે બજેટમાં ખાસ મદદ જાહેર કરાશે, પરંતુ આપણા માટે કશું જ નથી. બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના બોર્ડ, પટના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર છે.
મોદી સરકારની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ
પરંતુ ગુજરાતમાં આપણો હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ મુશ્કેલીમાં છે એને મદદ કરવા માટે કોઈ નક્કર વાત નથી. ટેક્સ્ટાઇલ ઉદ્યોગ, સુરતમાં એના પર અનેક લોકો નિર્ભર છે, નાયલોન યાર્ન મોંઘુ થાય એવી સ્થિતિ અંગે કોઈ વાત નથી. એશિયાના સૌથી મોટા અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ માટેની કોઈ સ્પેસિફિક વાત નથી. શીપ બિલ્ડિંગની વાત કરવામાં આવી છે, શીપ બ્રેકિંગ ઉદ્યોગ માટે નહીં અને શીપ બિલ્ડિંગ માટે પણ નક્કર રીતે જોઈએ તો કશું નથી. આ બજેટ મોદી સરકારની નિષ્ફળતાઓ છુપાવવાનો અને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ છે.
Also read : મહાકુંભને લઈ ગુજરાત સરકારે વધુ 5 વૉલ્વો બસ શરૂ કરી, આજે સાંજથી કરી શકાશે બુકિંગ…
આ બજેટમાં ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો અને યુવાનો માટે કંઈ નથી. આ બજેટ માત્ર જાહેરાતોનું પોટલું છે, જેમાં કોઈ નક્કર યોજના કે રાહતની જોગવાઈ નથી એમ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું. બજેટમાં 12 લાખની આવક પર કોઈ ટેક્સ નથી એમ કહેવામાં આવે છે, પણ હકીકત એ છે કે તેમાં શરતો લાગુ પડશે. ઈન્કમ ટેક્સના કાયદામાં 31 એમેન્ડમેન્ટ કરવાની જાહેરાત નાણામંત્રીએ કરી છે, જે લાગુ થયા બાદ જ ખબર પડશે કે 12 લાખની આવક ઉપર કેટલો ટેક્સ લાગશે? ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી, પરંતુ ખર્ચા બમણાં થયા છે.
Also read : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાત ભાજપમાં ઉકળતો ચરૂ
નાણામંત્રીની 56 પેજની સ્પીચમાં ગુજરાત નામનો શબ્દ નથી
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં ગુજરાતના નામે ખાસ કઇ નહીં અને બજેટ સ્પીચમાં ન ગુજરાતનું કે કોઈ ગુજરાતીનું નામ પણ નહીં. કેટલાય પ્રધાનો વિધાનસભામાં એમ કહેતા હતા કે ગુજરાતને બંને હાથમાં લાડુ છે, ડબલ એન્જિન સરકાર છે, મોસાળમાં મા પીરસનારી છે. નાણામંત્રીની 56 પેજની સ્પીચમાં ગુજરાત નામનો શબ્દ નથી. બજેટ સ્પીચમાં બિહારનો 6-6 વખત ઉલ્લેખ, સત્તા ટકાવી રાખવાના ખેલમાં જે સત્તામાં લાવ્યા એ વડાપ્રધાનના ગુજરાતીઓ જ ભુલાઈ ગયા.