ગુજરાત કૉંગ્રેસમાં આંતરિક કલહ: ચાવડા-ગોહિલે અલગ સ્નેહ મિલન યોજ્યાં

અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસનો ફરી આંતરિક કલેહ સામે આવ્યો હતો. વર્તમાન પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અલગ અલગ તારીખે ‘સ્નેહ મિલન’ કાર્યક્રમોનું આયોજન કરતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. આ બંને નેતાઓએ કૉંગ્રેસ કાર્યાલય ખાતે જ જુદા-જુદા કાર્યક્રમો યોજતા, પક્ષ ફરીથી બે જૂથમાં વહેંચાયેલો જોવા મળ્યો હતો.
વર્તમાન પ્રમુખ અમિત ચાવડાએ 25મી તારીખે શનિવારે કૉંગ્રેસ કાર્યાલયમાં તેમના સમર્થકો સાથે સ્નેહ મિલન યોજ્યું હતું. બાદમાં ભૂતપૂર્વ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે 29મી તારીખે કૉંગ્રેસ કાર્યાલયમાં તેમના સમર્થકો માટે સ્નેહ મિલન યોજ્યું હતું. બંને નેતાઓ દ્વારા આયોજિત આ અલગ-અલગ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સમર્થકોએ હાજરી આપી હતી.
આપણ વાચો: ગુજરાત કૉંગ્રેસમાં શરૂ થયો સળવળાટ, 6 શહેર પ્રમુખની કરી નિમણૂક…
આ ઘટનાથી ગુજરાત કૉંગ્રેસમાં સંગઠનાત્મક સ્તરે જૂથવાદ યથાવત હોવાનું અને પક્ષમાં એકતાનો સંપૂર્ણ અભાવ હોવાનું સામે આવ્યું હતું. એક જ વ્યક્તિ પ્રમુખ હોવા છતાં પાર્ટી મુખ્યાલયમાં બે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન રાજ્યમાં વિપક્ષની સ્થિતિને વધુ નબળી બનાવી શકે છે.



