મનરેગાના નામ અને માળખામાં ફેરફાર મુદ્દે ગુજરાત કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: વિધાનસભા ઘેરવાની આપી ચીમકી

મનરેગાનું નામ બદલીને ભાજપ સરકાર ગ્રામીણ જનતાનો રોજગારીનો હક છીનવી રહ્યાનો દાવો
અમદાવાદઃ કેન્દ્ર સરકારે મનરેગાનું નામ બદલાવ્યું ત્યારથી વિરોધ પક્ષ આ મુદ્દે સરકાર પર માછલાં ધોઈ રહ્યું છે. કોંગ્રેસ તેના વિરોધમાં કેટલાય દિવસોથી પ્રદર્શન કરી રહી છે ત્યારે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ શાસન દરમિયાન ગ્રામીણ જનતાને રોજગારીનો જે કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો હતો, તેને હવે ભાજપ સરકાર છીનવી રહી છે. આ કાયદામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવીને તેને “વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ” જેવું નવું નામ આપી કાયદાને માત્ર એક બજેટ આધારિત યોજનામાં ફેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
અમિત ચાવડાએ બજેટ ફાળવણીના નવા રેશિયો અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, અગાઉ કેન્દ્ર સરકાર 90 ટકા અને રાજ્ય સરકાર 10 ટકા રકમ ભોગવતી હતી, પરંતુ હવે રાજ્યોની સંમતિ વિના આ રેશિયો બદલીને 60:40 કરી દેવામાં આવ્યો છે.
આ ફેરફારને કારણે આર્થિક રીતે નબળા રાજ્યો જો પોતાનો 40 ટકા હિસ્સો નહીં ફાળવી શકે, તો ગ્રામીણ શ્રમિકોએ પોતાનો રોજગારીનો હક ગુમાવવો પડશે. આ ઉપરાંત, પંચાયતો અને ગ્રામસભાઓ પાસેથી કામ નક્કી કરવાની સત્તા છીનવીને સરકાર હવે દિલ્હીથી કામો નક્કી કરવાનું આયોજન કરી રહી છે, જે લોકશાહીના વિકેન્દ્રીકરણના સિદ્ધાંત વિરુદ્ધ છે.
પ્રેસ મીડિયાને સંબોધન…@INCIndia @INCGujarat pic.twitter.com/VJey0JpjiX
— Amit Chavda (@AmitChavdaINC) January 13, 2026
રોજગારીના દિવસો મુદ્દે સરકાર પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે સરકાર 125 દિવસની રોજગારીની મોટી વાતો કરે છે, પરંતુ વાસ્તવિક ડેટા મુજબ લોકોને માંડ 42 થી 46 દિવસનું કામ મળે છે. નવા ફેરફારો મુજબ ખેતીની સીઝન દરમિયાન 60 દિવસ સુધી કામ માંગી શકાશે નહીં, જે શ્રમિકો માટે મોટો ફટકો છે. કોંગ્રેસની માંગ છે કે મનરેગાના મૂળ કાયદાને પુનઃસ્થાપિત કરવામાં આવે અને શ્રમિકોના લઘુતમ વેતનમાં વધારો કરવામાં આવે. ભાજપ સરકાર દ્વારા એકતરફી રીતે થોપવામાં આવેલા આ સુધારાનો કોંગ્રેસ સમગ્ર દેશમાં વિરોધ કરી રહી છે.
આ અન્યાય સામે લડવા માટે કોંગ્રેસ દ્વારા ‘મનરેગા બચાવો આંદોલન’ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 10 જાન્યુઆરીથી શરૂ થયેલું આ અભિયાન 25 ફેબ્રુઆરી સુધી ચાલશે, જે અંતર્ગત દરેક ગામમાં જઈને ગ્રામસભામાં ઠરાવો કરવામાં આવશે અને લોકોને જાગૃત કરવામાં આવશે. અમિત ચાવડાએ ચીમકી આપી છે કે જો સરકાર આ ફેરફારો પાછા નહીં ખેંચે, તો આગામી વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ સાથે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજવામાં આવશે.
આપણ વાંચો: ગુજરાત પોલીસની ડ્રગ્સ નિયંત્રણ માટે પહેલ, બાતમી આપવા વોટ્સએપ નંબર જાહેર કર્યો



