
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકથી ઠંડીનું જોર વરતાઈ રહ્યું છે. ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચાલી રહેલી તીવ્ર શીતલહેરની અસર હેઠળ ગુજરાતના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. કચ્છનું નલિયા 6.4 ડિગ્રી સેલ્સીયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે, જ્યારે અમરેલીમાં 8.4 ડિગ્રી અને રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન નોંધાતા સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકોએ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે, જેમાં અમદાવાદમાં 12.1 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી અને ભુજમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઉત્તર ભારતમાં હાડ થિજવતી ઠંડી
ઉત્તર ભારત અત્યારે ગાઢ ધુમ્મસ અને હાડ થિજવતી ઠંડીની ચપેટમાં છે. પર્વતીય રાજ્યોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે, જેની સીધી અસર મેદાની વિસ્તારો પર પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૭ જાન્યુઆરી સુધી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં શીતલહેર અને ધુમ્મસનું સામ્રાજ્ય જળવાઈ રહેશે. દિલ્હીમાં શનિવારની સવાર આ સીઝનની સૌથી ઠંડી સવાર સાબિત થઈ હતી, જેના પગલે ત્યાં બે દિવસનું ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાન અને બિહારમાં પણ ‘કોલ્ડ ડે’ની સ્થિતિ સર્જાઈ છે.
કેવું રહેશે મહારાષ્ટ્રનું હવામાન?
મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે આગામી સમયમાં મહારાષ્ટ્રના વાતાવરણમાં ચડાવ-ઉતાર જોવા મળી શકે છે. જોકે, હાલમાં ઉત્તરીય પવનો સક્રિય ન હોવાને કારણે મહારાષ્ટ્રમાં તીવ્ર શીતલહેરની અસર ઓછી છે, પરંતુ જાન્યુઆરીના અંત સુધી મુંબઈ સહિતના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો કાયમ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૪૮ કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થતાં ઠંડીથી આંશિક રાહત મળી શકે છે.



