Top Newsઅમદાવાદ

ગુજરાત ઠૂંઠવાયું: નલિયામાં સીઝનનું સૌથી નીચું 4.8 ડિગ્રી તાપમાન, રાજકોટ-અમરેલીમાં પારો 10 ડિગ્રીથી નીચે!

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં કચ્છનું નલિયા 4.8 ડિગ્રી સેલ્સીયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું હતું. જે આ સીઝનનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. ઠંડા પવનોના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો વહેલી સવાર તથા મોડી રાત્રે ઠૂંઠવાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનું જોર વધ્યું છે, જ્યાં અમરેલીમાં 8.6 ડિગ્રી અને રાજકોટમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાતા નગરજનો ધ્રૂજી ઉઠ્યા છે.

અન્ય શહેરોનુ તાપમાન

રાજ્યના અન્ય મુખ્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 11.7 ડિગ્રી, ગાંધીનગરમાં 10.8 ડિગ્રી અને વડોદરામાં 14 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત 15 ડિગ્રી સાથે પ્રમાણમાં ગરમ રહ્યું છે, જ્યારે ડાંગમાં તાપમાન 12.8 ડિગ્રી રહ્યું હતું. સરહદી વિસ્તાર એવા ભુજમાં 11.2 ડિગ્રી અને કંડલામાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ઠંડીનું આ મોજું યથાવત રહેવાની શક્યતા છે.

ઉત્તર ભારત ઠંડી અને ગાઢ ધુમ્મસની ચપેટમાં

બીજી તરફ, ઉત્તર ભારત અત્યારે હાડ થીજવતી ઠંડી અને ગાઢ ધુમ્મસની ચપેટમાં છે. દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ અને બિહારમાં સ્થિતિ ગંભીર બની છે, જ્યાં વિઝિબિલિટી શૂન્યની નજીક પહોંચી જતા વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. હવામાન વિભાગે શનિવાર, 10 જાન્યુઆરી માટે પણ આકરી ઠંડી અને કોહરાની ચેતવણી જારી કરી છે. વધુમાં, આગામી સમયમાં થનારો વરસાદ લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે, જેના કારણે હાલ રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

તમિલનાડુના દરિયાકાંઠે વરસાદની આગાહી

દક્ષિણ ભારતના હવામાન પર નજર કરીએ તો, બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘ડીપ ડિપ્રેશન’ શ્રીલંકા તરફ આગળ વધી રહ્યું છે. 9 જાન્યુઆરીની મધ્યરાત્રિએ આ સિસ્ટમ શ્રીલંકાના ત્રિંકોમાલીથી અંદાજે 100 કિમી દૂર કેન્દ્રિત હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આ સિસ્ટમ આજે 10 જાન્યુઆરીના રોજ બપોર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈને ઉત્તર શ્રીલંકાના કિનારાને ઓળંગશે. આ સિસ્ટમના કારણે તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.

આ પણ વાંચો…કચ્છ-સૌરાષ્ટ્રમાં હિમ જેવી ઠંડીઃ નલિયા 9 ડિગ્રી-રાજકોટ 10.1 ડિગ્રી, અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન ગગડ્યું…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button