
અમદાવાદ : ગુજરાતમાં વહેલી સવારે ગુલાબી ઠંડીની અસર વર્તાઈ રહી છે. જયારે હવામાન વિભાગે નવેમ્બર માસમાં ઠંડી જોર પકડશે તેવી આગાહી કરી છે. તેમજ રાજયમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 20 થી 22 ઓક્ટોબર દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
દિવસ અને રાતના તાપમાન વચ્ચે 10 ડિગ્રી જેટલો તફાવત
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીની શરૂઆત થવા લાગી છે. જયારે શહેરમાં દિવસ અને રાતના તાપમાન વચ્ચે 10 ડિગ્રી જેટલો તફાવત રહેતા ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત આગામી 7 દિવસ ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ઠંડી વધી
આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ઠંડી વધી છે. અત્યારે દેશના ઉત્તરીય ભાગમાં ભૂસ્ખલન અને હિમવર્ષા જોવા મળી રહી છે. ઉત્તરીય ભાગમાં પહાડી વિસ્તારમાં બરફવર્ષા થઇ રહી છે. ઉત્તરભાગ તરફથી આવતા ઠંડા પવનોને લીધે અત્યારે ગુજરાત સહિતના રાજ્યોમાં પણ તાપમાનનો પારો ગગડયો છે.
આ પણ વાંચો…દિવાળીના તહેવાર ટાણે જ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી! ઠંડીનો ચમકારો વધશે