અમદાવાદ

ગુજરાતની આ જ્ઞાતિનો નિર્ણય, લગ્નમાં દીકરીને 4 તોલાથી વધુ સોનું નહીં, હરખના પ્રસંગો પર પ્રતિબંધ

અમદાવાદ : ગુજરાતમાં ભરવાડ સમાજે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સમાજમાં પ્રવર્તતા કુરિવાજો અને આર્થિક બોજ વધારતી પ્રથાને નાબૂદ કરવાની પહેલ કરવામાં આવી છે. આ અંગે ભરવાડ સમાજના આગેવાનીની બેઠકમાં લગ્ન સહિતના સામાજિક પ્રસંગોએ થતા ખોટા ખર્ચ પર અંકુશ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આ નિયમો માત્ર કાગળ પર ન રહે તે માટે આગામી મહિનાઓમાં ભરવાડ સમાજનું એક વિશાળ સંમેલન યોજાશે. જેમાં જનજાગૃતિ ફેલાવી આ નિયમોનો કડક અમલ માટે સમાજને અપીલ કરવામાં આવશે.

હરખના પ્રસંગો પર ચુસ્તપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો

આ અંગે ભરવાડ સમાજના પ્રમુખ વિજય ભરવાડના જણાવ્યું હતું કે, સમાજમાં દેખાદેખીના કારણે ગરીબ પરિવારો દેવામાં ડૂબી રહ્યા છે. જે અટકાવવા માટે નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. જેમાં સામાજિક પ્રસંગોમાં જાહેરમાં 4 તોલાથી વધુ સોનું આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો પિતાને વધુ આપવું હોય તો તેઓ દીકરીના ઘરે ખાનગીમાં આપી શકે છે. જયારે મામેરામાં પણ કપડાં કે ચીજવસ્તુઓનો બગાડ અટકાવવા દીકરીને રોકડ રકમ આપવાની અપીલ કરવામાં આવી છે. જયારે સગાઈ બાદ થતા વ્રત મોળાકાત કે હારડા લઈ જવા જેવા બિનજરૂરી ‘હરખના પ્રસંગો’ પર ચુસ્તપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

કપડાં આપવાની જૂની પ્રથા બંધ કરવાનો નિર્ણય

આ ઉપરાંત સીમંત, લગ્ન કે મરણ પ્રસંગે કપડાં આપવાની જૂની પ્રથા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમજ સાથોસાથ ખર્ચ ઘટાડવા માટે વધુમાં વધુ સામૂહિક લગ્નો કરવા માટે સમાજને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ બેઠકમાં વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે શિક્ષિત યુવા પેઢીએ દેખાદેખી ના રિવાજ તોડીને આદર્શ લગ્ન તરફ વળવું જોઈએ. સમાજના દરેક વ્યક્તિએ પોતાની આર્થિક ક્ષમતા મુજબ જ પ્રસંગ કરવો અને પ્રસંગ માટે ક્યારેય દેવું ન કરવા સૂચના આપવામાં આવી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button