ગુજરાતમાં Metro Rail સેવા મુદ્દે બજેટમાં કરાઇ આ મોટી જાહેરાત, જાણો વિગતે

અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલ વર્ષ 2025-2026ના બજેટમા અનેક જાહેરાતો કરવામાં આવી છે. જેમાં શહેરી પરિવહન સેવાને વધુ ઝડપી બનાવવા માટે રાજ્યમાં મેટ્રો રેલ સેવાનું( Metro Rail)આયોજન કરવામાં આવી રહ્યું છે. નાણાં મંત્રીએ બજેટમાં જણાવ્યું હતું કે, અમદાવાદ-ગાંધીનગર અને સુરત મેટ્રો વિસ્તરણનું કામ આગળ વધી રહેલ છે. અમદાવાદ મેટ્રો રેલના બીજા તબક્કાનું કામ ડિસેમ્બર- 2025માં પૂર્ણ થશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું 55 ટકા કામ પૂર્ણ થયેલ છે. જ્યારે નાગરિકોને રેલ આધારિત ઝડપી અને આધુનિક જાહેર પરિવહનની સેવાનો લાભ મળે તે માટે આગામી નાણાકીય વર્ષમાં રૂપિયા 2730 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
2060 નવી બસો પ્રજાની સેવામાં મૂકવાનું આયોજન
આ ઉપરાંત બજેટમાં જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતા ધ્યાને લઈ 2060 નવી બસો પ્રજાની સેવામાં મૂકવાનું આયોજન છે. જે માટે રૂપિયા 1128 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ઔદ્યોગિક વિસ્તારોમાં આવતા શ્રમિકો માટે અને અંતરિયાળ વિસ્તારોને જોડવા 400 મીડી બસનું પણ આયોજન છે.
આ પણ વાંચો : સારું શિક્ષણ મેળવતા સગીરો પણ કેમ આવું કરે છેઃ અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો
3,70,250 કરોડનું બજેટ રજૂ
નાણાં મંત્રીએ જણાવ્યું કે, વિકસિત ગુજરાત-2047 થકી વિકસિત ભારત-2047નું નિર્માણ કરવા વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંશાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2025-26 નું રૂપિયા 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું છે.