Gujarat ની સરહદોને સુરક્ષિત બનાવાશે, વિશ્વાસ પ્રોજેક્ટમાં 79 સ્થળોએ સીસીટીવી લગાવાશે

અમદાવાદ: ગુજરાત(Gujarat)સરકાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ઉપરાંત આંતર રાજ્ય સરહદોની સુરક્ષા માટે સતત કાર્યરત છે. જ્યારે રાજ્યમાં વિશ્વાસ પ્રોજેકટની કામગીરિ અંગે વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાઈ ટેક્નોલોજી સાથેના સીસીટીવી કેમેરા થકી રિયલ ટાઈમ મોનીટરીંગને પરિણામે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા તથા ક્રાઈમ પ્રિવેન્શન અને ડિટેક્શન કામગીરીમાં વિશ્વાસ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. હવે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત રાજ્યની સરહદોના કુલ-79 એન્ટ્રી એક્ઝિટ સ્થળો ખાતે 411 સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે.
ગુનાઓ શોધવામા ગુજરાત પોલીસને સફળતા મળી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-1 અંતર્ગત રાજ્યના 41 શહેરોમા કુલ 7000થી વધુ કેમેરાઓ લગાવવામા આવ્યા છે અને 35 કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરવામા આવ્યા છે. આ વ્યવસ્થાના માધ્યમથી કુલ 12 હજારથી વધુ ધાડ, લુંટ, ચોરી અને અન્ય ગુનાઓ શોધવામા ગુજરાત પોલીસને સફળતા મળી છે.
એન્ટ્રી એક્ઝિટ સ્થળો ખાતે 411 સીસીટીવી કેમેરા લગાવાશે
વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત હવે આંતરારાજ્ય સરહદોના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર સીસીટીવી લગાવવા અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટના ફેઝ 2 અંતર્ગત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી સાથેની રાજ્યની સરહદોના કુલ-79 એન્ટ્રી એક્ઝિટ સ્થળો ખાતે 411 સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે.
આ પણ વાંચો : ગુજરાતના Budget માં કરવેરામાં કરાયા આ મહત્વના ફેરફારો
નેત્રમ અને ત્રિનેત્ર સાથે કનેક્ટેડ રહેશે
આ તમામ કેમેરાઓ સબંધિત જિલ્લાના નેત્રમ અને ત્રિનેત્ર સાથે કનેક્ટેડ રહેશે અને વીડિયો એનાલિટિક્સના માધ્યમથી તમામ કેમેરાઓમાં ડિટેક્શન કરવાની ક્ષમતા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ હાઇટેક સીસીટીવી નેટવર્કની મદદથી ચોરીના વાહન કે ગુન્હામાં સંડોવાયેલા વાહન જો આંતરરાજ્ય સરહદ ઉપરથી પસાર થાય તો તેનું રીયલ ટાઈમ એલર્ટ સંબંધિત જિલ્લાના નેત્રમ માં મળશે.