ગુજરાત ભાજપના 'મહારથી' જગદીશ પંચાલ, આવતીકાલે રેલી સાથે કમલમ પહોંચી સંભાળશે પદભાર...
Top Newsઅમદાવાદ

ગુજરાત ભાજપના ‘મહારથી’ જગદીશ પંચાલ, આવતીકાલે રેલી સાથે કમલમ પહોંચી સંભાળશે પદભાર…

અમદાવાદઃ જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ (વિશ્વકર્મા) ગુજરાતમાં પાર્ટીના નવા અધ્‍યક્ષ બનશે. તેમણે વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું હતું. અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી કરી નહીં હોવાથી તેમની બિનહરિફ પસંદગી થઈ હતી.

આ સાથે જ ગુજરાત ભાજપને 19 વર્ષ બાદ ઓબીસી પ્રદેશ પ્રમુખ મળશે. અમદાવાદના નિકોલના ધારાસભ્‍ય જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમુદાયના છે. કેન્‍દ્રીય હાઇકમાન્‍ડ દ્વારા નિયુક્‍ત નિરીક્ષકો ભૂપેન્‍દ્ર યાદવ અને કે. લક્ષ્મણ આવતીકાલે 4 ઓક્ટોબરના શનિવારના રોજ જગદીશ વિશ્વકર્માનાં નામની ઔપચારિક જાહેરાત કરશે. અત્‍યાર સુધી, ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની જવાબદારી સીઆર પાટીલ પાસે હતી. હવે મુખ્‍ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના બન્‍યા છે.

અમદાવાદના નિવાસ સ્થાનેથી રેલી કાઢશે

4 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના પરિણામની જાહેરાત તેમજ પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે. આ પહેલાં તેઓ ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાનેથી સવારે 8:30 વાગ્યે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે તેઓ ગાંધીનગર જવા નીકળશે. અમદાવાદના તમામ ધારાસભ્યો, સાંસદો અને નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે તેઓ ગાંધીનગર જશે. ગાંધીનગરના ભાટ નજીકથી અમદાવાદ શહેરના કાર્યકર્તાઓ તેમની સાથે રેલીમાં જોડાશે.

કોણ કોણ સામેલ થશે

જગદીશ પંચાલના પદગ્રહણ સમારોહમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે.લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જગદીશભાઇ પંચાલ 46-નિકોલ મતવિભાગ (અમદાવાદ શહેર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1973ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

જગદીશ પંચાલ અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે. તેઓ વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ વર્ષ 2017માં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે.

આગામી વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની હોવાથી ભાજપે ઓબીસી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવીને જાતિ સમીકરણ સાચવવાનો પ્રયાસ કર્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે. જ્યારે ભાજપ પણ ઓબીસી મતદારો ગુમાવવા માગતું નથી. ઓબીસી સમાજ ઉપર પ્રભુત્વ જાળવી રાખવા માટે ભાજપે ઓબીસી નેતાની પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગી કરી છે. કોંગ્રેસે ઓબીસી નેતા અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવતાં ભાજપને જાતિ સમીકરણ ગોઠવવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો…એક જ ફોર્મ ભરાતા જગદીશ પંચાલ બનશે ભાજપના પ્રમુખઃ આવતીકાલથી પદ સંભાળે તેવી શક્યતા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button