Top Newsઅમદાવાદ

ગુજરાતમાં ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી, પાટીદાર આંદોલન કેસમાં ચાર્જ ફ્રેમ…

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2015ના પાટીદાર આંદોલનના નેતા અને હાલ ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ પોલીસ મથકે નોંધાયેલા કેસમાં અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા છે. જેના પગલે હવે કેસની ટ્રાયલ શરૂ થશે.

ગેરકાયદે મંડળી, રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો જેવા ગુના

વર્ષ 2015ના આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ સામે ગેરકાયદે મંડળી, રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો, કાયદેસરના હુકમનો ભંગ, ધમકી આપવા અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. નિકોલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ સંદર્ભે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ થયો હતો, જે કેસમાં હાર્દિક પટેલ પર ચાર્જફ્રેમ થયા છે. હવે તેના કેસમાં ટ્રાયલ શરૂ થશે. આ અગાઉ હાર્દિક પટેલ આ કેસમાં હાજર ન રહેતાં તેની સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.

વોરંટને હાર્દિક પટેલે હાઇકોર્ટમાં પડકાર્યું હતું

આ વોરંટને હાર્દિક પટેલે હાઇકોર્ટમાં પડકાર્યું હતું. જેમાં તેને કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાંયધરી આપતાં હાઇકોર્ટે હાર્દિક પટેલ સામેનું ધરપકડ વોરંટ રદ કર્યું હતું, જોકે ત્યાર બાદ હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં કેસમાં મુક્ત કરવાની અરજી કરવામાં આવતી હતી. પરંતુ તેને કોર્ટમાં ઉપસ્થિત રહેવું પડ્યું હતું.

શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ

અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓએ પાટીદારોને અનામત આપવાની માગણી અને ખેડૂતોના દેવા માફીની માગણી સાથે નિકોલમાં પ્રતીક ઉપવાસનું આયોજન કર્યું હતું, જેમાં ફરિયાદ મુજબ આરોપીઓએ વગર પરવાનગી, પૂર્વ આયોજિત કાવતરું કરીને રેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતીક ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું, જેમાં રેલીને અટકાવવામાં આવતાં તેઓ ઉશ્કેરાયા હતા. આ આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી તેમજ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો.

આ પણ વાંચો…પાલનપુરમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા 167 કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલે કહી આ વાત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button