ઓટોમોબાઇલ માર્કેટમાં મંદી: ગુજરાતમાં પેસેન્જર વાહનોના વેચાણમાં ગાબડું...

ઓટોમોબાઇલ માર્કેટમાં મંદી: ગુજરાતમાં પેસેન્જર વાહનોના વેચાણમાં ગાબડું…

અમદાવાદ: ટૂ-વ્હીલરના વપરાશ માટે ભારતમાં અમદાવાદ ‘હબ’ ગણાય છે, પરંતુ વીતેલા મહિના દરમિયાન અમદાવાદમાં પેસેન્જર વ્હિકલના વેચાણમાં ગાબડું પડ્યું છે, જેમાં ટૂ-વ્હિલર સેગમેન્ટ પણ બાકાત નથી.

ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર જુલાઈ 2025માં ગુજરાતમાં પેસેન્જર વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 4.8 ટકા ઘટ્યું હતું. જુલાઈ 2024માં 30,744 યુનિટ્સના વેચાણની સામે આ વર્ષે 29,269 યુનિટ્સનું વેચાણ થયું હતું.

આ મંદી માટે માંગ અને પુરવઠા બંનેને જવાબદાર ગણાવ્યા હતા. ગ્રાહકોના નબળા સેન્ટિમેન્ટ, ખરીદશક્તિની ચિંતા અને એન્ટ્રી-લેવલ કાર સેગમેન્ટ પર દબાણ જેવા પરિબળોએ વેચાણ પર અસર કરી હતી. આ સાથે સપ્લાયની મર્યાદા પણ એક મોટી ચિંતા બની રહી છે. એસયુવી શ્રેણીમાં કેટલાક લોકપ્રિય નવા મોડલમાં લાંબું વેઇટિંગ છે, જેની અસર પણ કાર માર્કેટ પર જોવા મળી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીલર્સ સપ્લાયની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કેટલાક નવા લોન્ચ થયેલા મોડેલો અમુક બ્રાન્ડ્સમાં સરળતાથી ઉપલબ્ધ નથી. એસયુવી સેગમેન્ટમાં વેઇટિંગ પિરિયડ પણ લાંબો છે, જે છૂટક વેચાણના આંકડાઓ પર અસર કરી રહ્યો છે. ટુ-વ્હીલર અને કારના વેચાણમાં નજીવો ઘટાડો અપેક્ષિત હતો.

સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં જોવા મળેલા મજબૂત વેચાણની સરખામણીમાં આ વર્ષે ઓટો માર્કેટ સાવચેત થયું હોય તેમ લાગે છે. હાલની આર્થિક અને ભૌગોલિક-રાજકીય અસ્થિરતા ગ્રાહકોને સાવચેત બનાવી રહી છે અને આ ખચકાટ શહેરોમાં વધુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. અહીં માંગમાં સ્પષ્ટપણે ઘટાડો થયો છે. ઘણા નવા સંભવિત ખરીદદારો પોસાય તેવી એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક કારની રાહ જોઈ રહ્યા છે. જોકે, ગ્રામીણ વેચાણમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે, જે એક સકારાત્મક સંકેત છે.

સૂત્રોના કહેવા પ્રમાણે શેરબજારની અસ્થિરતાએ રોકાણકારોના આત્મવિશ્વાસ પર નોંધપાત્ર અસર કરી છે, અને તે સીધી રીતે સાવચેતીપૂર્વક ગ્રાહક ખર્ચમાં પ્રતિબિંબિત થાય છે. સારા ચોમાસા અને મજબૂત એકંદર કમાણી જેવા સકારાત્મક પરિબળો હોવા છતાં વ્યાપક ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ અને યુએસ ટેરિફ જેવી બાબતો અનિશ્ચિતતા ઊભી કરી રહી છે. આ પરિબળો છૂટક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર દબાણ લાવી રહ્યા છે, જેના કારણે કારના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો…ભારતમાં ટેસ્લાનું મીમ્સ સાથે સ્વાગત; આ મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચા

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button