
અમદાવાદ: ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સફળ ઑપરેશન પાર પાડ્યું છે. ATS એ અમદાવાદમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ત્રણ શખ્સોની અટકાયત કરી છે. ગુજરાત ATS દ્વારા આ મહત્ત્વપૂર્ણ ઑપરેશન હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે રાજ્યમાં આતંકવાદ ફેલાવવાનું એક મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે.
ATS ના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, ઝડપાયેલા આ ત્રણેય શખ્સો ISIS (ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સિરિયા) મૉડ્યુલ સાથે સંકળાયેલા છે. આ આતંકીઓ પૈકી એક શખ્સ મૂળ હૈદરાબાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ત્રણેય શખ્સો અમદાવાદમાં કોઈ ગંભીર આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાના ઈરાદાથી આવ્યા હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે.
ગુજરાત ATS એ બાતમીના આધારે અમદાવાદમાં સઘન કાર્યવાહી હાથ ધરીને આ ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી મળી આવેલા દસ્તાવેજો, સાધનો અને અન્ય પુરાવાઓના આધારે તેઓ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ સફળ ઑપરેશનથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં આતંકવાદી નેટવર્કના મૂળને શોધી કાઢવામાં મદદ મળશે. હાલમાં ATS દ્વારા ત્રણેય આતંકીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી તેમના અન્ય સાથીદારો અને સમગ્ર નેટવર્ક વિશેની માહિતી મેળવી શકાય.
આ પણ વાંચો…ગુજરાત ATSની વધુ એક મોટી સફળતા: બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા…



