આતંકી ડો. અહેમદ સૈયદ અમદાવાદની કઈ હોટલમાં રોકાયો હતો?

અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્વારા થોડા દિવસ પહેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ દ્વારા આતંકીઓની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ દરમિયાન આતંકી ડો. અહેમદ સૈયદ 7 નવેમ્બરના રોજ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી હોટલની સામે આવેલી હોટલ ગ્રાન્ડ એમ્બેસમાંથી નીકળતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આતંકી ડો.અહેમદ મોહ્યુદ્દીન સૈયદ જીલાની શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આ હોટલમાં રોકાયો હોવાનું ગુજરાત એટીએસની તપાસમાં બહાર આવ્યું હતું.
હરિદ્વારનાં મંદિરોમાં રેકી
આતંકી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના ઘરે તપાસ દરમિયાન ટીમને ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવાઓ મળ્યા હતા. આતંકી આઝાદની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી કે આતંકી સુલેહે એક પાર્સલ આઝાદને મોકલાવ્યું હતું. આ પાર્સલ લઈને એટીએસે તપાસ શરૂ કરી છે. આતંકી ડો. અહેમદને ભારતમાં ખૂબ મોટી ઘટનાને અંજામ આપવો હતો. માત્ર એટલું જ નહીં, હરિદ્વારનાં મંદિરોમાં રેકી પણ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત ATS એ ઝડપેલા ત્રણ આતંકીઓની હવે NIA કરશે પૂછપરછ, ચોંકાવનારી વિગતો આવી શકે છે સામે
આતંકી આઝાદ ઘણા સમયથી કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માગતા હતા. તે કટ્ટરવાદી હોવાની જાણ થતાં તેની પત્ની પણ છોડીને જતી રહી હતી. આ તમામ બાબતો પર ગુજરાત એટીએસની ટીમ તપાસ કરી રહી છે. આતંકીઓ કેટલા સમયથી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા છે તેની પણ પૂછપરછ કરવામાંઆવી રહી છે.
દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં શું થયું
આ ઉપરાંત દિલ્હી બ્લાસ્ટ અને ફરીદાબાદ ટેરર નેટવર્કની હાલ પોલીસ તપાસ કરી રહી છે. આતંકીઓના ફોનનો ડેટા રિકવર કરવામાં આવ્યો છે. જેમાં મુઝમ્મિલના મોબાઈલમાંથી આશરે 200 વીડિયો મળ્યા છે. જેમાં જૈશ એ મોહમ્મદના મસૂદ અઝહર, અસગર, અન્ય જૈશ કમાન્ડર તથા આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓના વીડિયો પણ સામેલ છે. આ ઉપરાંત એવો પણ ખુલાસો થયો છે કે, મુઝમ્મિલ અને લાલ કિલ્લા વિસ્ફોટમાં કથિચ સુસાઈડ બોમ્બર ઉમર, તુર્કીમાં એક સીરિયન આઈએસઆઈએસ આતંકી કમાન્ડરને પણ મળ્યો હતો. આ ઉપરાંત અન્ય મોટો ઘટસ્ફોટ પણ થયો હતો.
જેમાં ડોક્ટર મુઝમ્મિ, આદિલ, શાહીન અને ઈરફાનના ફોનના ડિલીટ કરવામાં આવેલા ડેટા પણ સામે આવ્યા છે. જેમાં આશરે 80 વીડિયો આતંકી ટ્રેનિંગ, બોમ્બ મેકિંગ અને કેમિકલ રિએકશન સાથે જોડાયેલા રિસર્ચ પર આધારિત છે. મુઝમ્મિલના ફોનથી દિલ્હી, ઉત્તર પ્રદેશ, મુંબઈ અને અનેક રાજ્યોના ધાર્મિક સ્થળો અને ભીડભાડ વાળી માર્કેટના વીડિયો પણ સામેલ છે.



