
અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ દેશની સુરક્ષાને જોખમમાં મૂકતા એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. ATSની ટીમે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે, જેઓ પાકિસ્તાની એજન્ટ તરીકે કામ કરી રહ્યા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં દમણની રહેવાસી રશ્મિન રવિન્દ્ર પાલ અને ગોવાથી પકડાયેલ ભૂતપૂર્વ ભારતીય સેનાના સુબેદાર એ.કે. સિંહ નો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ ભારતીય આર્મી કેમ્પની સંવેદનશીલ અને ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી આ કેસ ખૂબ ગંભીર માનવામાં આવી રહ્યો છે.
ATSના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બંને વ્યક્તિઓ લાંબા સમયથી પાકિસ્તાની સંપર્કમાં રહીને દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. રશ્મિન પાલની દમણથી અને એ.કે. સિંહની ગોવાથી ધરપકડ કરીને તેમને ગુજરાત લાવવામાં આવ્યા છે. ATS દ્વારા હાલમાં બંને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં બંને વ્યક્તિઓનું પાકિસ્તાન સાથેનું કનેક્શન સ્પષ્ટ થયું છે. ગુજરાત ATSની આ કાર્યવાહીથી દેશમાં સક્રિય જાસૂસી નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. પૂછપરછમાં અન્ય કોણ કોણ આ નેટવર્કમાં સામેલ છે અને તેમને ક્યાંથી નાણાકીય મદદ મળતી હતી તે અંગેના મોટા ખુલાસા થવાની સંભાવના છે.
આપણ વાંચો: ગુજરાતના 777 સહિત દેશના 21 હજાર સીસીટીવી કેમેરા પર હેકિંગનું જોખમ…



