Top Newsઅમદાવાદશેર બજાર

2025માં SME IPO લિસ્ટિંગમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે, એકત્ર કર્યા રૂ. 2,088 કરોડ

અમદાવાદ: ગુજરાતીઓ વેપાર-ધંધાની સાથે શેરબજારમાં રોકાણ કરવા માટે જાણીતા છે. રાજ્યમાં SME IPO મોટા પ્રમાણમાં આવ્યા છે. વર્ષ 2025માં 57 કંપનીઓએ રૂ. 2212 કરોડ એકત્ર કર્યા હતા. કેલેન્ડર વર્ષ 2025માં, રાજ્યએ SME ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ્સમાં અત્યાર સુધીનું સૌથી મજબૂત પ્રદર્શન કર્યું હતું. SME IPO પ્રવૃત્તિની દ્રષ્ટિએ દેશમાં મહારાષ્ટ્ર મોખરે અને ગુજરાત બીજા ક્રમે રહ્યું હતું. મહારાષ્ટ્રમાં 62 કંપનીઓએ વર્ષ દરમિયાન રૂ. 3,380 કરોડ એકત્ર કર્યા હતા. જ્યારે ગુજરાત સ્થિત 57 SMEs એ IPO દ્વારા રૂ. 2,088 કરોડ એકત્ર કર્યા હતા.

BSE SME ના ડેટા મુજબ, ગુજરાતની 33 કંપનીઓએ 2025 માં IPO દ્વારા રૂ. 1,163 કરોડ એકત્ર કર્યા હતા, જે 2024 માં 20 IPO દ્વારા એકત્ર કરાયેલા રૂ. 691 કરોડની સરખામણીએ મોટો ઉછાળો છે. વર્ષ 2023માં ગુજરાતના માત્ર 15 SMEs એ BSE SME પ્લેટફોર્મનો ઉપયોગ કરીને રૂ. 238 કરોડ મેળવ્યા હતા.

આ પણ વાંચો: Pine Labs IPO માં રોકાણ કરવું કે નહીં? જાણો પહેલા દિવસે કેટલું સબ્સ્ક્રિપ્શન થયું અને GMP શું કહે છે?

નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા મુજબ, જાન્યુઆરી અને ડિસેમ્બર 2025 ની વચ્ચે 24 ગુજરાત સ્થિત કંપનીઓ ‘NSE Emerge’ પર લિસ્ટેડ થઈ હતી અને રૂ. 1,049 કરોડ એકત્ર કર્યા હતા. નવેમ્બરના અંત સુધીમાં, પ્લેટફોર્મની શરૂઆતથી અત્યાર સુધીમાં ગુજરાતની કુલ 178 કંપનીઓ NSE Emerge પર લિસ્ટેડ થઈ ચૂકી છે. આ કંપનીઓએ મળીને રૂ. 4,717 કરોડ એકત્ર કર્યા છે અને તેમની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 52,043 કરોડ છે. આ રકમ કોઈપણ રાજ્ય માટે સૌથી વધુ છે.

બજારના નિષ્ણાતો લિસ્ટિંગની સંખ્યામાં થયેલા તીવ્ર વધારા પાછળ SMEs ની મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાઓને કારણભૂત માને છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘણા SME ડેવલપમેન્ટ માટે ભંડોળ મેળવવાના માધ્યમ તરીકે IPO પસંદ કરે છે. કામગીરી વધારવા માટે મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે IPO રૂટ વધુને વધુ લોકપ્રિય બન્યો છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button