Gujarat વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી, 20મીએ બજેટ રજૂ કરાશે
અમદાવાદઃ ગુજરાત(Gujarat)વિધાનસભાનું બજેટ સત્ર આગામી 19 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે બજેટસત્રની શરૂઆત થશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર રજૂ કરશે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ તા.૨૦ ફેબ્રુઆરીએ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે. પંદરમી વિધાનસભાનુ બજેટ સત્ર 28મી માર્ચ સુધી ચાલશે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફૂલ ગુલાબી બજેટ આવે તેવી સંભાવના છે.
આ સાથે જ સરકાર લોકોને કેટલીક રાહતો પણ આપી શકે છે. ખેડૂતલક્ષી મહત્ત્વ નિર્ણયો લેવાય તેવી પણ ચર્ચા છે. આ સમયગાળામાં ગૃહમાં સરકાર દ્રારા કુલ સાત વિધેયકો પર ચર્ચા અને મતદાન માટે કામકાજ હાથ ધરાનાર છે, આ ઉપરાંત નવી રચાયેલી મહાનગરપાલિકા માટે માળખાકીય સુવિધા અને નાણાકીય ભંડોળની ફાળવણી કરવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ ચોથું અંદાજપત્ર
સપ્ટેમ્બર 2021માં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે પદભાર સંભાળ્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ ચોથું અંદાજપત્ર કેટલીક નવી લોકરંજક યોજના સાથે રજૂ થશે, જે મોટાભાગે પૂરાંતવાળુ રહેવાની શક્યતા છે. સચિવાલયમાં નવા બજેટ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને હાલ તમામ વિભાગોએ સંબંધિત પક્ષકારો સાથે બેઠકો કરી પોતાના અંદાજો નાણાં વિભાગને મોકલી આપ્યા છે.
વિભાગોની શ્રેણીબદ્ધ બેઠકો યોજાઇ હતી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિભાગોની શ્રેણીબદ્ધ બેઠકો યોજાઇ હતી. દરેક વિભાગોએ મોકલેલી નવી યોજનાઓ તેમજ વર્તમાન યોજનાઓની ફાળવણીમાં વધારા સહિતના મુદ્દે આવકના અંદાજોને સુસંગત રહી યોજનાકીય ફાળવણી માટે ચર્ચા કરવામાં આવી રહી છે