રાજ્યમાં અકસ્માતની વણઝારઃ શંખેશ્વરના સરપંચના પુત્ર સહિત 6 લોકોના વિવિધ બનાવમાં મૃત્યુ

અમદાવાદઃ રાજ્યના રોડ રસ્તા રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. રાજ્યામાં અકસ્માતની વિવિધ ઘટનામાં કુલ 6 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં પાટણના શંખેશ્વરના સરપંચના પુત્રનો પણ સમાવેશ થાય છે. મળતી વિગત પ્રમાણે, શંખેશ્વરના સરપંચ ડી કે ગઢવીનો પુત્ર દીક્ષિત ગઢવી તેના મિત્રો સાથે ઉત્તરાયણની પૂર્વે રાત્રે મિત્રના ખેતરમાં લીલાચણાની દાળ અને બાજરીના રોટલાની મિજબાની માણી કાર લઇ પરત ફરતા હતા. આ સમયે ગામના બસ સ્ટેન્ડ પાસે ચાલકે સંતુલન ગુમાવતા પલટી મારીને મંદિરના ગેટ પાસે ઉભેલી મીની લકઝરીને અથડાઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બનાવમાં શંખેશ્વરના સરપંચ ડી કે ગઢવીનો પુત્ર દીક્ષિત ગઢવી તથા તેના મિત્ર બ્રિજેશ ડાભીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ત્રણ મિત્રોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદના નારોલ વિશાલા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના
અમદાવાદના નારોલ વિશાલા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક્ટિવા પર જઈ રહેલી યુવતીને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. વેજલપુર પોલીસઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.
Also read :અમદાવાદમાં અકસ્માતના બે બનાવમાં દંપતી સહિત ત્રણ લોકોના મૃત્યુ
જામનગરમાં કાર પલટી જતાં 3ના ઘટના સ્થળે જ મૃત્યુ
જામનગર પંથકમાં કાર પલટી જતાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. મળતી વિગત પ્રમાણે, ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક આજે વહેલી સવારે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓમાંથી ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બે લોકોને અતિગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જામનગર અને રાજકોટના પાંચ મિત્રો કાર લઇને લતીપર ખાતે એક લગ્ન સમારંભમાં આવ્યા હતાં. જ્યાં રાત્રે દાંડિયા રાસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગોકુળપુર નજીક કારચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગુલાંટ મારીને રોડની સાઇડમાં ખાડામાં ખાબકી હતી. કારમાંથી મૃતદેહ બહાર કાઢવા પતરાં ચીરવા પડ્યા હતા.