ગુજરાત ACBએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના ASI સહિત 3ને ઝડપ્યા: વિઝા કન્સલ્ટન્ટનું નામ કેસમાંથી દૂર કરવા કરોડોની માંગણી

અમદાવાદ: ગુજરાત એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) એ ગુરુવારે રૂ. 10 લાખની લાંચના કેસમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ અમદાવાદના એક વિઝા કન્સલ્ટન્ટનું નામ ફોજદારી કેસમાંથી દૂર કરવા અને જપ્ત કરાયેલા દસ્તાવેજો પરત કરવા માટે કથિત રીતે રૂ. 1 કરોડની લાંચની માંગણી કરી હતી. ACBના જણાવ્યા અનુસાર, લાંચની રકમ રૂ. 10 લાખના એડવાન્સ પેમેન્ટ સાથે સ્વીકારતી વખતે લાંચ લેનાર વ્યક્તિ રંગે હાથે ઝડપાઇ ગયો હતો.
આ સમગ્ર મામલાની શરૂઆત 29 જુલાઈ, 2025ના રોજ થઈ હતી, જ્યારે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે અમદાવાદના CG રોડ પર આવેલી “ઓમ ગ્લોબલ ટૂર્સ એન્ડ વિઝા કન્સલ્ટન્ટ”ની ઓફિસ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન અધિકારીઓએ બે લેપટોપ, બે પ્રિન્ટર, 17 પાસપોર્ટ તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ, ATM કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ચેકબુક સહિતના અંગત દસ્તાવેજો અને રૂ. 20,000 રોકડા જપ્ત કર્યા હતા.
ફરિયાદકર્તા અને ઓફિસ માલિકને નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યાં, ASI શિવકુમારે તેના પરિચિત સંજય પટેલનો સંપર્ક કર્યો, જ્યારે ઓફિસ માલિકે તેના મિત્ર ચિત્રેશ સુતારિયાને બોલાવીને આ બંને વ્યક્તિઓએ પોલીસ સ્ટેશન પર આવીને ફરિયાદકર્તા અને ઓફિસ માલિકને મુક્ત કરાવ્યા હતા. ત્યારબાદ ASI શિવકુમારે બંનેને નિવેદન નોંધવા માટે દિલ્હીમાં હાજર થવાની નોટિસ આપી હતી અને જપ્ત કરેલા દસ્તાવેજો અને ફરિયાદકર્તાની કાર સાથે ટીમ રવાના થઈ ગઈ હતી.
ફરિયાદકર્તાએ બાદમાં જ્યારે દિલ્હીમાં ASI શિવકુમારનો સંપર્ક કર્યો હતો, ત્યારે અધિકારીએ કેસમાં આરોપી તરીકે નામ ન ઉમેરવા અને જપ્ત દસ્તાવેજો પરત કરવા માટે કથિત રીતે રૂ. 1 કરોડની લાંચની માંગણી કરી હતી. વધુમાં, તેણે ફરિયાદકર્તાને લાંચની રકમ માટે આરોપી ચીત્રેશ સુતારિયા અને સંજય પટેલ સાથે વાતચીત કરવા જણાવ્યું હતું. સતત માંગણીઓ છતાં, ફરિયાદકર્તા રકમની વ્યવસ્થા કરી શક્યા નહોતા.
પરિણામે, દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદકર્તાનું નામ કેસમાં સહ-આરોપી તરીકે દાખલ કર્યું હતું, તેને ફરાર જાહેર કર્યો અને જપ્ત દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યા વિના ચાર્જશીટ દાખલ કરી દીધી. ત્યારબાદ આ ત્રિપુટીએ લાંચની રકમ ઘટાડીને રૂ. 80 લાખ કરી દીધી, જેમાં રૂ. 10 લાખ એડવાન્સ પેમેન્ટ તરીકે અને બાકીની રકમ નામ દૂર થયા બાદ અને મૂળ દસ્તાવેજો પરત મળ્યા બાદ આપવાની શરત મૂકવામાં આવી હતી.
લાંચ આપવા તૈયાર ન થતાં, ફરિયાદકર્તાએ ગુજરાત ACBનો સંપર્ક કર્યો અને વિધિવત ફરિયાદ નોંધાવી. ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, અને ઓપરેશન દરમિયાન આરોપી ચિત્રેશ સુતારિયાને આ જૂથ વતી રૂ. 10 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…ગુજરાત એટીએસએ પંજાબમાં હથિયારોની હેરાફેરીમાં વોન્ટેડ આરોપીની હાલોલથી ધરપકડ કરી



