
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. રાજુ કરપડાએ રાજીનામું આપતાં પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પત્ર લખીને રાજીનામું આપ્યું છે. જેમાં તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
શું લખ્યું છે રાજુ કરપડાએ
તેમણે લખ્યુંઃ ય કિસાન સાથીઓ… દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..! મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે.! પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવાર થી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે. મારા દ્વારા ક્યારેય કોઈ ની લાગણી ને ઠેશ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતો નો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું.
કોણ છે રાજુ કરપડા
રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના વતની છે. રાજુ કરપડા 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો પરાજય થયો હતો. પાક વીમાની એક કંપની સામે ખેડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરાવીને રાજુ કરપડા સૌપ્રથમ લાઇમલાઇટમાં આવ્યા હતા.
2018 બાદ રાજુ કરપડા ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા. તેમની સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત સુરેન્દ્રનગરના મૂળી તાલુકાથી શરૂ કરી હતી .તેમણે શરૂઆતમાં જમીન માપણીના પ્રશ્નોના મુદ્દે આંદોલનો કર્યાં હતાં. તે ઉપરાંત પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને પણ તેમણે આંદોલનો કર્યાં, જે સુરેન્દ્રનગર જિલ્લા પૂરતા જ હતા.
2021-22માં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. 2022માં તેમને આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ 45937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા. 11 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમણે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા.
રાજુ કરપડા પર કેસ અને વિવાદો
ચૂંટણીપંચ સમક્ષ તેમણે 2022માં દાખલ કરેલી ઍફિડેવિટ મુજબ તેમની સામેના ત્રણ ફોજદારી કેસો નોંધાયેલા છે. બે કેસ મૂળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને ત્રીજો કેસ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. આ ઉપરાંત બોટાદમાં થયેલી હિંસા મામલે પણ એફઆઈઆરમાં તેમનું નામ મુખ્ય આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું હતું.



