
અમદાવાદઃ રાજ્યમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનું પર્વ ઉત્સાહપૂર્વક ઉજવાયું હતું. ઉત્તરાયણે 108 સેવાને 5897 ઈમરજન્સી મેડિકલ કેસ નોંધ્યા હતા. જે સામાન્ય દિવસના કોલ વોલ્યુમની સરખામણીમાં 33 ટકાનો ઉછાળો દર્શાવે છે. વાસી ઉત્તરાયણે પણ ઈમરજન્સી કેસમાં વધારો
રાત્રે 11 વાગ્યા સુધીમાં 5464 ઇમરજન્સી કેસ નોંધાતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી હતી. બે દિવસમાં જ રાજ્યમાં 11,300થી વધારે કેસ નોંધાયા હતા.
આ ઉપરાંત ટ્રોમા કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જે સામાન્ય સરેરાશ 484 કેસથી વધીને 1,313 થયા હતા, જે ઉત્તરાયણના દિવસે 171% નો વધારો દર્શાવે છે. આ ઉછાળો મોટે ભાગે તહેવાર સંબંધિત પ્રવૃત્તિઓ જેવી કે પતંગ ઉડાડવી, અગાશી પર અવરજવર અને લોકોના વધતા સંપર્ક સાથે જોડાયેલો હતો.
સૂત્રોS જણાવ્યું હતું કે, શારીરિક હુમલાના કેસોમાં 284%, ઊંચાઈ પરથી પડવાના કેસોમાં 92%, અને ક્રશ ઈન્જરી (ગંભીર ઈજા), ઈલેક્ટ્રોક્યુશન (વીજ કરંટ) અને દાઝી જવાના કેસોમાં 1,000% થી વધુનો વધારો જોવા મળ્યો હતો. આંકડા મુજબ, ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા, જેમાં અમદાવાદ વાહન અકસ્માત અને નોન-વ્હિક્યુલર ટ્રોમા કેસમાં મોખરે રહ્યું હતું. અમદાવાદની હોસ્પિટલોમાં પણ કેસોમાં મોટો વધારો નોંધાયો હતો.
ઉત્તરાયણ પક્ષીઓ અને વન્યજીવો માટે હજુ પણ જોખમી
અમદાવાદમાં ઉત્તરાયણ પક્ષીઓ અને નાના વન્યજીવો માટે ગંભીર ખતરો બની રહી છે. વર્ષ 2026ના શરૂઆતના આંકડા દર્શાવે છે કે, તહેવાર પહેલાના દિવસોમાં ઈજાના કેસોમાં મામૂલી ઘટાડો હોવા છતાં, તહેવારના દિવસે થતો કેસોનો ઉછાળો હજુ પણ યથાવત છે. આંકડા મુજબ, 1 થી 14 જાન્યુઆરી દરમિયાન શહેરમાં પક્ષી અને પ્રાણીઓની ઈજાના 1,780 કેસ નોંધાયા હતા, જે 2025 ના સમાન સમયગાળાના 1,811 કેસ કરતા માત્ર 1.7% ઓછા છે. બચાવકર્મીઓનું કહેવું છે કે ઉત્તરાયણનું અસલી નુકસાન તહેવારના બે દિવસોમાં જ સીમિત હોય છે. વર્ષ 2025 માં, માત્ર 14 અને 15 જાન્યુઆરીએ જ 1,306 કેસ નોંધાયા હતા, જે આખા મહિનાના કુલ કેસના ચોથા ભાગ કરતા પણ વધુ હતા.
આ વર્ષે પણ સ્થિતિ લગભગ સમાન જોવા મળી હતી. 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીના બપોરે 1 વાગ્યા સુધીમાં, આશરે 774 ઈજાગ્રસ્ત પક્ષીઓ અને પ્રાણીઓ દાખલ કરવામાં આવ્યા હતા. કબૂતર, પોપટ અને સમડી ઉપરાંત પેઈન્ટેડ સ્ટોર્ક (ઢોંક) જેવા પ્રવાસી પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું કે, હવે નવેમ્બરના મધ્યથી જ ઉજવણી શરૂ થઈ જતી હોવાથી, જોખમનો સમયગાળો થોડા દિવસોથી વધીને લગભગ એક મહિનાનો થઈ ગયો છે.



