GSRTC Maha Kumbh Volvo bus સર્વિસને બહોળો પ્રતિસાદ; કલાકોમાં જ બુકિંગ ફૂલ થઈ ગયું

અમદાવાદ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વના સૌથી વિશાળ માનવ મેળાવડા એવા મહાકુંભ મેળાની શરૂઆત થઇ ચુકી છે, દર રોજ લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભની મુલાકાત પહોંચી ધન્યતા અનુભવી રહ્યા છે. પ્રયાગરાજ જતી ટ્રેન અને ફ્લાઈટ્સ લગભગ ફૂલ થઇ ગઈ છે, હજુ પણ બુકિંગ મેળવવા લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, એવામાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ મહાકુંભ મેળા માટે અમદાવાદથી પ્રયાગરાજ સુધી દૈનિક એસી વોલ્વો બસ સર્વિસ (GSRTC Maha Kumbh Volvo bus) શરૂ કરી છે, જેને બહોળો પ્રતિસાદ મળ્યો છે.
તમામ બસ ફૂલ:
અમદાવાદથી પ્રયાગરાજની એસી વોલ્વો બસ સર્વિસ આવતીકાલે 27 જાન્યુઆરીથી શરૂ થવાની છે, જેના માટે ઓનલાઈન બુકિંગ ગઈ કાલે શનિવારે 25 જાન્યુઆરીથી શરુ કરવામાં આવ્યું હતું. ઓનલાઈન બુકિંગ મેળવવા પણ ભારે પડાપડી જોવા મળી રહી છે, બુકિંગ શરુ થયાની થોડી જ કલાકોમાં તમામ 30 દિવસની બસનું બુકિંગ થઇ ગયું છે.
પકેજના ભાવ:
મહા કુંભ મેળામાં હાજરી આપવા માટે ગુજરાતના યાત્રાળુઓને આરામદાયક મુસાફરીનો ઓપ્શન મળી એ ઉદ્દેશ્યથી આ બસ સર્વિસ શરુ કરવામાં આવી છે. GSRTC એ એક મુસાફર દીઠ રૂ. 8,100 ના ભાવે 3-રાત્રિ, 4-દિવસનું ખાસ પેકેજ પણ રજૂ કર્યું છે.
શ્રદ્ધાળુઓની માગ:
ઘણા સંભવિત મુસાફરોને બુકિંગ મેળવવામાં મુશ્કેલી પડી હતી. ફ્લાઇટના ઊંચા રેસ્ટ અને ટ્રેન રિઝર્વેશન મેળવવામાં મુશ્કેલીને કારણે, ઘણા શ્રદ્ધાળુઓ એસી વોલ્વો બસનું બુકિંગ શરુ થવાની રાહ જોઈ રહ્યા હતાં. પરંતુ ફક્ત થોડા કલાકોમાં તમામ સીટો બુક થઇ ગઈ હતી.
આ પણ વાંચો…તુષાર શુક્લ, પંકજ ઉધાસ, કુમુદિની લાખિયા સહિત 9 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર
શ્રદ્ધાળુઓની માગ છે કે આ સર્વિસની વધુ માંગને ધ્યાનમાં રાખીને સરકારે રાજકોટ, વડોદરા અને સુરત જેવા અન્ય શહેરોથી પણ મહા કુંભ મેળા માટે બસ સર્વિસ ચાલુ કરવી જોઈએ.