અમદાવાદ

GSRTC દ્વારા હાઈ-વે પરની 27 હોટેલ્સના લાઈસન્સ રદ્દ કર્યાં, જાણો શું છે મામલો?

અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે (GSRTC) અમુક હોટેલોના લાઈસન્સ રદ્દ કરીને તે હોટેલ પર બસને હોલ્ટ કરવાની મનાઈ ફરમાવી છે. અહેવાલો અનુસાર આ હોટલો અંગે નિગમને ફરિયાદો મળી હતી કે આ હોટેલ હિન્દુ નામની આડમાં મુસ્લિમો દ્વારા ચલાવવામાં આવી રહી છે. GSRTC દ્વારા કાર્યવાહી કરતાં આ તમામ હોટેલ-ઢાબાના લાઇસન્સ રદ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે.

ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યની કુલ 27 જેટલી હોટેલ પર એસટી બસના હોલ્ટના પરવાનાને રદ્દ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેમા સૌથી વધુ હોટેલ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની છે. હોટેલમાં પારદર્શિતા અને યોગ્ય સંચાલન માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પણ બીજી તરફ આ કાર્યવાહી પાછળ અન્ય કારણ હોય તેવા અહેવાલો મળી રહ્યા છે.

ગુજરાત એસટી નિગમ દ્વારા જે 27 જેટલી હોટેલના પરવાના રદ કરવાનો હુકમ કર્યો છે. તે હોટેલમાં વડોદરા ડિવિઝનમાં અમદાવાદ-સુરત રોડ પર સ્થિત સ્વાજી ઇન, હોટેલ વિશાલ, હોટેલ બસેરા અને હોટેલ સતીમાતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભરૂચ વિભાગ હેઠળ સુરત-અમદાવાદ રોડ પર આવેલી હોટેલ તુલસી, હોટેલ મારુતિ, હોટેલ ડાયમંડ અને હોટેલ રોનકના નામ પણ તે હોટેલમાં સામેલ છે, જેમના પરવાના રદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક પરીક્ષાની તારીખ બદલાઈ, જાણો શું છે કારણ

આ ઉપરાંત, ગોધરા ડિવિઝન હેઠળ આવતી કિસ્મત કાઠિયાવાડી અને હોટેલ વૃંદાવનનું પણ લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. પાલનપુર ડિવિઝનમાં હોટેલ ગુરુકૃપા, હોટેલ રિલીફ અને હોટેલ રોનકનું લાઇસન્સ રદ કર્યું છે. હોટેલ તુલસી, ઊંઝા-મહેસાણા હાઇ-વે પર આવેલી હોટલ માનસી, નડિયાદ ખેડા પર આવેલી હોટલ શ્રીજી અને રાજકોટ-ચોટીલા હાઇ-વે પર આવેલી હોટલ સૂર્યોદય એન્ડ રૂમ્સનો સમાવેશ થાય છે. GSRTC એ કુલ 27 હોટેલ્સના લાઇસન્સ રદ કર્યા છે, એમ જીએસઆરટીસીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button