GSRTCનો સંવેદનશીલ અભિગમ: વર્ષમાં 96 લાખથી વધુ દિવ્યાંગ પ્રવાસીએ વિનામૂલ્યે મુસાફરીનો લાભ લીધો

અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ- (GSRTC)ની તમામ પ્રકારની પ્રીમિયમ અને નોન પ્રીમિયમ બસોમાં રાજ્યના નાગરિકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી સલામત રીતે પહોંચાડવાની સુવિધા આપવામાં આવી રહી છે. દિવ્યાંગ મુસાફરો અને તેમના સહાયકો પણ એસ. ટી. નિગમની બસોમાં વિનામૂલ્યે મૂસાફરી કરવાની યોજનાનો લાભ લઇ રહ્યા છે, જે અંતર્ગત ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં GSRTCની તમામ બસોમાં ૯૬.૫ લાખ દિવ્યાંગ મુસાફર અને ૧૩.૨૭ લાખ જેટલા તેમના સહાયકોએ વિનામૂલ્યે મુસાફરી સુવિધાનો લાભ મેળવ્યો હતો.
આ માટે રાજ્ય સરકાર દ્વારા ભાડા પેટે નિગમને રૂ. ૭૫ કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે. દિવ્યાંગ મુસાફરો માટે સામાજિક અને ન્યાય અધિકારિકતા વિભાગ દ્વારા વિવિધ પાંચ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ અને તેમના સહાયકોને એસ. ટી. બસમાં ૧૦૦ ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવા આવી રહ્યો છે.
આ પણ વાંચો: GSRTC દ્વારા હાઈ-વે પરની 27 હોટેલ્સના લાઈસન્સ રદ્દ કર્યાં, જાણો શું છે મામલો?
કોને મળે છે આ રાહતનો લાભ?
ગુજરાત એસટી દ્વારા પાંચ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓમાં આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય, ક્રોનિક ન્યૂરોલોજિકલ, સામાન્ય ઈજા જીવલેણ રક્તસ્ત્રાવ, દૃજારી સ્નાયુબદ્ધ કઠોરતા, હિમોગ્લોબીનની ઘટેલી માત્રા વગેરેને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિ અને તેમના સહાયકોને મુસાફરી માટે ૧૦૦ ટકા રાહત આપવામાં આવે છે.
નિગમને 75 કરોડની સહાયની ચૂકવણી
દિવ્યાંગો દ્વારા નિગમની બસોમાં કરવામાં આવેલ વિનામૂલ્યે મુસાફરી સામે થયેલ ખર્ચની ગ્રાન્ટ સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા નિગમને આપવામાં આવે છે. વર્ષ-૨૦૨૪-૨૫ માં કુલ -૯૬,૫૨,૬૧૯ દિવ્યાંગ વ્યક્તિ અને કુલ-૧૩,૨૭,૭૮૪ દિવ્યાંગ વ્યક્તિઓના સહાયકો દ્વારા નિગમની બસોમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ લીધો હતો. આમ, છેલ્લા એક વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ અને દિવ્યાંગ સહાયક માટે મુસાફરી પેટે રૂ.૭૫ કરોડથી વધુની સહાય નિગમને આપવામાં આવી છે.