બીમારી ન ફેલાય તો શું થાય? આ સરકારી ઓફિસોમાં જ છે મચ્છરના કેન્દ્રો
અમદાવાદઃ શહેરમાં મચ્છરજન્ય રોગના વધતા કેસને નિયંત્રણમાં લેવા વિવિધ વિસ્તારમાં આવેલી મનપા ઉપરાંત સરકારી કચેરીઓ તથા ખાનગી મિલકતમાં મચ્છરના ઉપદ્રવને લઈ મનપાના આરોગ્ય વિભાગ તરફથી તપાસ કરવામાં આવી હતી. છ હજારથી વધુ મિલકતમાં મચ્છરના બ્રિડિંગ અંગેની તપાસ કરાતા મનપા તથા સરકારી કચેરીઓમાં 260 સ્થળે મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી એમ કુલ મળીને 6080 મિલકતની તપાસ કરાતા 632 સ્પોટ પર મચ્છરનો ઉપદ્રવ મળી આવ્યો હતો. જેમાં 13 ખાનગી એકમ સીલ કરાયા હતા.
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગના વધતા કેસને નિયંત્રણમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન ઉપરાંત ઝોન, સબ ઝોનલ કચેરીઓ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બગીચા સહિતના સ્થળોએ હેલ્થ વિભાગની ટીમ દ્વારા મચ્છરના બ્રિડીંગને લઈ તપાસ હાથ ધરી હતી. જેમાં નોડલ ઓફિસરે તેના હસ્તકના પ્રિમાઈસીસમાં મચ્છરનો ઉપદ્રવ ના થાય તે મુજબની કાર્યવાહી કરવાની હતી. નોડલ ઓફિસર તરફથી મચ્છરના ઉપદ્રવને લઈ આપવામાં આવેલા રિપોર્ટ પછી હેલ્થ વિભાગ તરફથી સ્થળ તપાસ કરી ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યુ હતું.
આરોગ્ય વિભાગે 24.76 લાખની પેનલ્ટી વસૂલી
મનપાના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસરના જણાવ્યા મુજબ 10મી જૂનથી 24મી ઓગસ્ટ સુધીના સમયમાં કરવામાં આવેલા ક્રોસ વેરીફીકેશન દરમિયાન મ્યુનિસિપલ તથા સરકારી કચેરી એમ કુલ મળી 4254 સ્પોટ પર થયેલી તપાસ પછી 260 સ્પોટ પર તથા 1816 ખાનગી મિલકતોની તપાસ પછી 372 સ્પોટમાં મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. કુલ મળીને રૂ. 24.76 લાખની ૨કમ આરોગ્ય વિભાગ ત૨ફથી પેનલ્ટી પેટે વસૂલ કરવામાં આવી હતી.