
ગાંધીનગરઃ સર્કિટ હાઉસ સરકારી મહેમાનો અને અધિકારીઓ માટેનું એક મુખ્ય નિવાસસ્થાન છે, પરંતુ હવે તેનો આમ આદમી પણ ઉપયોગ કરી શકશે. રિપોર્ટ મુજબ ગુજરાત સરકાર રાજ્યના સાત મહાનગરો અને યાત્રાધામોના સર્કિટ હાઉસને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ હેઠળ ફાઇવ-સ્ટાર હોટલોમાં રૂપાંતરિત કરવાની યોજના બનાવી રહી છે. સામાન્ય લોકો તેમાં પ્રીમિયમ ચાર્જ ચૂકવીને તેમાં રોકાઈ શકશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યના માર્ગ અને મકાન વિભાગે ટેન્ડર બહાર પાડવાનું નક્કી કર્યું છે. ટેન્ડર માટેની શરતો અનુસાર ત્રણ યાત્રાધામોના સર્કિટ હાઉસ દસ વર્ષ માટે જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર અને જૂનાગઢના સર્કિટ હાઉસને ત્રણ વર્ષ માટે પીપીપી ધોરણે ખાનગી સંચાલકોને અપાશે. સર્કિટ હાઉસની માલિકી સરકારની રહેશે પરંતુ તેનું સંચાલન, રેસ્ટોરન્ટ અને કેટરિંગ, આવકો સહિતનો હિસાબ, રૂમ સર્વિસ, સિવિલ, ફર્નિશિંગ, સફાઇ તથા ઇલેક્ટ્રિક વર્ક ખાનગી કોન્ટ્રાક્ટરના માથે રહેશે. આ અતિથી ગૃહોના સંચાલકોને 5 સ્ટાર કે 4 સ્ટાર હોટલોના સંચાલનનો અનુભવ હોવો જોઇશે. દિલ્હીના ગરવી ગુર્જરી અતિથી ગૃહનું મોડલ અપનાવાશે.
કેટલું હશે રૂમનું ભાડું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રૂમના ભાડાં અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ સરકાર ખાનગી સંચાલકો અને સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠક કરીને આ માટે નિર્ણય કરશે.
આ શરતોનું કરવું પડશે પાલન
જો સરકારી પ્રતિનિધિને રૂમ જોઇતો હશે તો રોકાણના 2 દિવસ અગાઉ જાણ કરવાથી સરકારી દરે અને 1 દિવસ અગાઉ બુકિંગ કર્યું હોય તો સંચાલક એજન્સીના રેટ મુજબ ચૂકવણી કરવાની રહેશે. જો અગાઉથી બુકિંગ ન કરાવ્યું હોય તો રૂમ આરક્ષિત રહેશે નહીં.
કુલ રૂમના 25 ટકા રૂમ સરકાર માટે આરક્ષિત રાખવાના રહેશે, જે પૈકી 2 રૂમ વી.વી.આઇ.પી. માટે કાયમી આરક્ષિત રહેશે.
સરકારને ચૂંટણી કે જાહેર કાર્યક્રમ માટે જ્યારે સમગ્ર સર્કિટ હાઉસના રૂમોની જરૂર પડે ત્યારે સરકાર પોતાના નિયમ મુજબ ખાનગી સંચાલકને રૂમ બુકિંગ અને અન્ય હોસ્પિટાલિટી માટે ખર્ચ ચૂકવશે.