ગુજરાતના ખેડૂતોને વિઘાદીઠ 50 હજારના નુકસાન સામે 8000ની સરકારી ભીખ ના ચાલે, દિગ્ગજ નેતાની ટ્વિટ

અમદાવાદ: ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે રાજકારણ ગરમાયું છે. આપ અને કોંગ્રેસ બનેં આ મુદ્દે સરકારને ઘેરી રહી છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના વળતર મુદ્દે અમરેલી કૉંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અમરેલી કૉંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે આકરા પ્રહાર કર્યા હતા.આ દરમિયાન પરેશ ધાનાણીએ નામ લીધા વગર આપના નેતાના નિવેદનને ટાર્ગેટ કરી આડે હાથ લીધા હતા.
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન બાદ હવે રાજ્યના રાજકારણમાં આ મુદ્દે ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ આપના નેતાના નિવેદનને ટાંકીને કહ્યું હતું કે નવા બનેલા નેતાએ કહ્યું કે “એક એકર દીઠ 50000 હજારનું વળતર આપવામાં આવે”. આ નિવેદનને લઈને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે એક એકરના 50 હજાર એટલે એક વીઘાના 8000. તેમણે આપ-બાપને એક ગણાવી હતી. ₹8,000 ના વળતરને “સરકારી ભીખ” ગણાવીને, ખેડૂતોને વિઘા દીઠ ઓછામાં ઓછા ₹50,000 નું વળતર આપવાની માંગ કરી હતી.
""જગતના તાતને, જીવવા દેજો""
— Paresh Dhanani (@paresh_dhanani) November 3, 2025
ખેતીવાડી ખાતાની સલાહ, કૃષી તજજ્ઞોના
અભિપ્રાય તેમજ ખેડૂતોની કોઠા સૂઝથી
કાઢેલા પ્રાથમીક અંદાજો મુજબ..,
ખરીફ -2025 ની મોસમ દરમિયાન વાવેતર
કરેલી કપાસનો વિઘા દીઠ ઓછામાં ઓછો
અંદાજીત ઉત્પાદન ખર્ચ રુ. 18370/- તથા
પ્રાથમીક ઉતારાના અંદાજો મુજબ વિઘા દીઠ
સરેરાશ… pic.twitter.com/ivKDl45L5D
તેમણે ટ્વીટ કરીને સ્પષ્ટપણે જણાવ્યું કે, “જગતના તાતને, જીવવા દેજો.” ધાનાણીએ કૃષિ નિષ્ણાતો અને ખેતીવાડી ખાતાના પ્રાથમિક અંદાજોને ટાંકીને દાવો કર્યો છે કે ખેડૂતોને થયેલું વાસ્તવિક નુકસાન સરકારી આંકડાઓ કરતાં અનેક ગણું વધારે છે. ધાનાણીએ તેમના ટ્વીટમાં કપાસના પાકને થયેલા નુકસાનની વિગતવાર ગણતરી રજૂ કરી હતી. તેમના અંદાજ મુજબ, ખરીફ-2025 ની મોસમ દરમિયાન વાવેતર કરાયેલા કપાસનો વિઘા દીઠ ઓછામાં ઓછો અંદાજિત ઉત્પાદન ખર્ચ ₹18,370/- ગણાય છે. આ ઉપરાંત, પ્રાથમિક ઉતારાના અંદાજો અનુસાર, વિઘા દીઠ સરેરાશ 20 મણ ઉપજની ટેકાના ભાવે કિંમત ₹31,640/- થવા જાય છે. આમ, કમોસમી માવઠાના કારણે સરેરાશ ખેડૂતોને કુલ મળીને અંદાજિત ₹50,010/- જેટલું પાક નુકસાન થયું હોવાનો તેમનો દાવો છે. આ આંકડા રજૂ કર્યા બાદ, પરેશ ધાનાણીએ સીધો સવાલ ઉઠાવ્યો હતો કે, “હવે તમે જ કહો કે ખેડૂતોને વિઘા દીઠ નુકસાનીનું અધિકારીક વળતર મળવું જોઈએ કે પછી માત્ર ₹8,000/- ની સરકારી ભીખ?”
આપણ વાંચો: વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના સાવરકુંડલામાં કેમ લાગ્યા બેનર? જાણો વિગત .
 


