વિસાવદર મનપાની બબાલ મામલે ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર કર્યા પ્રહાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ વિસાવદર મનપાના ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે થયેલી બબાલનો વીડિયો વાયરલ થતા ભારે વિવાદ જાગ્યો હતો. ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોળિયા અને ચીફ ઓફિસર પ્રકાશ વઘાસિયા વચ્ચે થયેલા હંગામા મામલે અહીંના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા.
કાલસારી ગામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જનસંપર્ક બેઠકમાં હાજરી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે કાલસારી ગામના વઘાસીયા સાહેબ જેઓ ખૂબ જ ઈમાનદાર અને વતન પ્રેમી છે.
આપણ વાચો: ‘ગુજરાત ભાજપના બાપનું નથી કે ભાજપના નેતાઓના છોકરાઓના બાપનું પણ નથી’: ગોપાલ ઈટાલિયા
તેઓ રિટાયર થયા પછી પણ પોતાના વતનને અને પોતાના લોકોને કંઈ આપવા માટે ફરીથી નગરપાલિકામાં કામ કરી રહ્યા છે અને ઈમાનદારીપૂર્વક લોકોના કામ થાય એ રીતે તેઓ નિષ્ઠાપૂર્વક પોતાની સેવા આપી રહ્યા છે. બીજી બાજુ વિસાવદર નગરપાલિકામાં ભાજપના જે કોર્પોરેટરો છે એ લોકોએ અનેક જગ્યાએ લૂંટ ચલાવવાના રસ્તાઓ શોધી રાખ્યા છે.
આ ભાજપના કટકી કરવાવાળા લોકોએ પેટ્રોલ ડીઝલથી લઈને રોડ રસ્તા, સાફ-સફાઈ, કચરા ઉઠાવવા સહિત તમામ જગ્યા પર પોતાના કોન્ટ્રાક્ટ સેટ કરી દીધા છે અને આ રીતે બેફામ રીતે નગરપાલિકામાં લૂંટ ચલાવી રહ્યા છે, પરંતુ વઘાસિયા સાહેબ આવા કટકીબાજોના બીલો પર સાઇન કરવા માંગતા નથી જેના કારણે આ બધા લોકોએ ભેગા થઈને ઘેરવા પહોંચી ગયા હતા અને વઘાસીયા સાહેબે કોઈના બે પૈસા લીધા નથી એટલા માટે તેઓ કટકીબાજોના તાબે થયા ન હતા.
આપણ વાચો: મુખ્ય પ્રધાનને રજૂઆત કરવા આવેલા ગોપાલ ઈટાલિયાને ભાજપ સરકારના ક્યા ટોચના પ્રધાન ભેટી પડ્યા ?
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જણાવ્યું કે આ કાલસારી ગામના વઘાસીયા સાહેબ ચીફ ઓફિસર છે, તેઓએ પોલીસ સ્ટેશનમાં જઈને કામકાજમાં અવરોધો ઉભા કરવા બદલ, ખોટા કાગળ ઉપર સાઈન કરવા દબાણ કરવા બદલ અને ધાક ધમકી આપવા બદલ ફરિયાદ દાખલ કરી હતી.
એક સરકારી માણસે ફરિયાદ દાખલ કરી તો એની સામે ભાજપના લોકોએ પણ ફરિયાદ દાખલ કરી કે વઘાસીયા સાહેબે એ લોકોને છરી બતાવી હતી. પોતાની ઓફિસે કામ કરવા જતા અધિકારી સાથે છરી રાખે વાત જ હાસ્યાસ્પદ છે. તો આ સમગ્ર ઘટના બાદ વિસાવદર પોલીસે જે કર્યું એ જોવા જેવું હતું.
વઘાસીયા સાહેબે ફરિયાદ દાખલ કરી અને ચાર દિવસ થઈ ગયા અને ભાજપના લોકોએ જે દિવસે ફરિયાદ કરી એના બીજા દિવસે પોલીસે વઘાસિયા સાહેબને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને એમની ધરપકડ કરી અને ત્યારબાદ જામીન લેવડાવ્યા હતા, પરંતુ વઘાસિયા સાહેબે ભાજપના નેતાઓ પર જે ફરિયાદ દાખલ કરી હતી, તેના પર હજુ સુધી એક પણ કાર્યવાહી કરવામાં આવી નથી, આવી ટીકા ઈટાલિયાએ કરી હતી.



