અમદાવાદજામનગર

ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, કેજરીવાલે BJP-Congressને ઘેર્યા, પણ ઇટાલિયાએ કહ્યું, ‘હું દિલથી માફ કરું છું!’

જામનગર/અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં એક ઘટના અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે, જેમાં આમ આદમી પાર્ટી (AAP)ના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં યોજાયેલી જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું હતું.

શુક્રવારની સાંજે આ ઘટના બની હતી, જ્યારે ગોપાલ ઇટાલિયા ભાષણ આપી રહ્યા હતા. આ અણધારી ઘટનાને પગલે સભામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરીને જૂતું ફેંકનાર વ્યક્તિ છત્રપાલસિંહ જાડેજાની અટકાયત કરી લીધી હતી.

ઘટના બાદ તરત જ જૂતું ફેંકનાર વ્યક્તિ છત્રપાલસિંહ જાડેજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેણે કબૂલ્યું હતું કે તેણે જૂતું ફેંકીને પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાનો બદલો લીધો છે. છત્રપાલસિંહે જણાવ્યું કે ગોપાલ ઇટાલિયાએ જે-તે સમયે પ્રદિપસિંહ પર જૂતું ફેંક્યું હતું અને આજે તેને મોકો મળતા તેણે આ કાર્ય કર્યું છે.

આપણ વાચો: જામનગરમાં ‘આપ’ની સભામાં હંગામો: ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું

આપની લોકપ્રિયતાએ ભાજપ-કોંગ્રેસને હચમચાવી દીધા

આ ઘટના પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ટ્વીટ કરીને આક્ષેપ કર્યો કે, “ગુજરાતમાં આપની વધતી લોકપ્રિયતાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને હચમચાવી દીધા છે…

જામનગરમાં અમારા લોકપ્રિય નેતા ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર્તાએ હુમલો કરી દીધો. આ હુમલો સ્પષ્ટ જણાવે છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ હવે આપની વિરુદ્ધ એકજૂટ થઈને લડી રહી છે.

” કેજરીવાલે ચેતવણી આપી હતી કે, AAPના નેતાઓ ન તો ડરે છે કે ન તો ઝૂકે છે, અને ગુજરાતની જનતા હવે પરિવર્તનનો મન બનાવી ચૂકી છે, જે આ બંને પક્ષોની ગભરાહટનું કારણ છે.

આપણ વાચો: પહેલગામ હુમલાના પીડિતોને 1 કરોડની સહાય કરવા આપના નેતા ગોપાલ ઇટાલિયાની માંગ

જૂતું ફેંકે તે કોંગ્રેસનો સભ્ય ન હોઈ શકે

બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ હુમલાની સખત નિંદા કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, “કોઈ પણ વ્યક્તિ જે નફરત ફેલાવે છે, હિંસા કરે છે અથવા કોઈ વ્યક્તિ પર જૂતું ફેંકે છે તે કોંગ્રેસની વિચારધારાનો સભ્ય ન હોઈ શકે. કોંગ્રેસ આપણને પ્રેમ, એકતા અને સૌહાર્દ શીખવે છે. હું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના કૃત્યની સખત નિંદા કરું છું. જાહેર કે અંગત જીવનમાં આવા કૃત્યો માટે કોઈ સ્થાન હોઈ શકે નહીં.”

ઇટાલિયાએ કહ્યું ભગવાન તેને સુખી રાખે

આ ઘટના અંગે ગોપાલ ઇટાલિયાએ પણ પ્રતિક્રિયા આપતા ફરિયાદ નહિ કરવાની વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે, “જામનગરની જનસભા દરમિયાન મારા પર હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ હું FIR કરવા માંગતો નથી. હું તે વ્યક્તિને દિલથી માફ કરું છું અને તે વ્યક્તિ તેમજ તેના પરિવારને ઈશ્વર સુખી રાખે તેવી પ્રાર્થના કરું છું. જય કિસાન.”

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button