અબુધાબીથી કમરના ભાગે સંતાડીને લાવ્યા 2.76 કરોડનું સોનુ; બે પ્રવાસી પકડાયાં…

અમદાવાદ: અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરી હતી અને અબુધાબીથી અમદાવાદ આવેલા બે પ્રવાસી પાસેથી 2.76 કરોડનું સોનું પકડી પાડયું હતું. જો કે સોનાની દાણચોરીનો કીમિયો જોઈને ખુદ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.
2.76 કરોડનું સોનુ

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરી હતી અને અબુધાબીથી અમદાવાદ આવેલા બે પ્રવાસી પાસેથી 2.76 કરોડનું ત્રણ કિલોથી વધુનું સોનું પકડી પાડયું હતું. એર ઇન્ટેલિજન્સ યુનિટ કાર્યવાહી દરમિયાન દાણચોરીનો કીમિયો જોઈને ચોંકી ઉઠ્યું હતું.
કમરના ભાગે પ્લાસ્ટિક સ્ટ્રિપમાં સોનું સંતાડ્યું
અબુધાબીથી અમદાવાદ આવેલા બંને પ્રવાસીઓનાં જીન્સ પેન્ટના કમરના ભાગે પ્લાસ્ટિક સ્ટ્રિપમાં સોનું સંતાડ્યું હતું. સોનું સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને લાવવામાં આવ્યું હતું. તે ઉપરાંત બંને પ્રવાસીઓ પાસેથી 3 ગોલ્ડ બાર ઉપરાંત 2 સોનાની ચેઇન અને એક સોનાનો સિક્કો પણ મળી આવ્યો હતો. બંને મુસાફર પાસેથી અનુક્રમે 1543 ગ્રામ અને 1507 ગ્રામ સોનું પકડાયું હતું.
આ પણ વાંચો :સ્વાસ્થ્ય પાછળ ખર્ચ કરવામાં ગુજરાત બીજા ક્રમે, પણ ગુજરાત સ્વસ્થ થયું ખરું?
સોનાની દાણચોરીની ઘટનાઓ વધી
ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. એપ્રિલ 2024 થી 25 જાન્યુઆરી 2025 સુધી દસ મહિનાનાં ગાળામાં કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરીને 68 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા સોનાની કિંમત અંદાજિત 45 કરોડ રૂપિયા છે. સોનાની દાણચોરીના 130થી વધુ કેસ નોંધાયા હતા.