ગજબઃ સોનાના ભાવ આસમાને પણ એફઆઈઆરમાં જૂના ભાવનો જ ઉલ્લેખ, કારણ શું?

અમદાવાદઃ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, હાલ 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1.30 લાખે પહોંચ્યો છે, પરંતુ જ્યારે તેની ફરિયાદની વાત આવે ત્યારે ગુજરાતમાં પોલીસ પોતાના કેસ રેકોર્ડ્સમાં તેનું મૂલ્ય ઓછું આંકી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં સોનાની ચોરી અને લૂંટના કિસ્સાઓમાં પોલીસે જૂના દરો પર આધાર રાખ્યો છે, જેના કારણે સત્તાવાર રેકોર્ડ્સમાં તેનું મૂલ્ય લગભગ અડધું થઈ ગયું છે અને પીડિતોને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું.
અમદાવાદની એક મહિલાએ તાજેતરમાં 16.10 ગ્રામ સોનાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે જૂના દરને વળગી રહી હતી અને તેનું મૂલ્ય રૂપિયા 1.07 લાખ આંક્યું હતું, જ્યારે તેની બજાર કિંમત રૂપિયા 1.92 લાખ હતી. આ કોઈ એકલદોકલ ઘટના નથી. આવી અનેક ઘટનાઓ નોંધાઈ હતી.
અસલાલીમાં નોંધાયેલા લૂંટ-હત્યાના કેસમાં પીડિત પાસેથી આશરે 15 ગ્રામ સોનું અને 500 ગ્રામ ચાંદી લૂંટાઈ હતી. પોલીસે સોનાનું મૂલ્ય રૂપિયા 75,000 અને ચાંદીનું મૂલ્ય રૂ36,000 નોંધ્યું હતું, જ્યારે તેમની વાસ્તવિક બજાર કિંમત અનુક્રમે લગભગ રૂપિયા 2.05 લાખ અને રૂપિયા 86,000 હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે એફઆઈઆરમાં સોનાના દરો સામાન્ય રીતે ફરિયાદીના નિવેદન અથવા પૂરા પાડવામાં આવેલા બિલના આધારે નોંધવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં જ્યાં ખરીદીના કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ નથી, ત્યાં પોલીસ જૂની ફાઇલોમાં દર્શાવેલા જૂના દરોનો ઉપયોગ કરીને મૂલ્યનો અંદાજ લગાવે છે. આ ઉપરાંત સૂત્રોએ કહ્યું કે, વાહનો કે મોબાઇલની જેમ જ્યાં ઘસારાને ધ્યાનમાં લેવામાં આવે છે, તેનાથી વિપરીત, પોલીસ સોના કે ચાંદી જેવી સંપત્તિના મૂલ્યવૃદ્ધિને ધ્યાનમાં લેતી નથી.
આપણ વાંચો: કચ્છમાં આગજનીના સેંકડો બનાવઃ ગૌશાળામાં ફટાકડાથી આગ, 900 મણ ઘાસચારો ખાખ