અમદાવાદ

કાયમી શિક્ષકોની ભરતીના વચનો વચ્ચે સરકારે જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરી

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીની લાંબા સમયથી ચાલી રહેલી માગણી અને ચર્ચાઓ તેમજ સરકારના આ બાબતના આશ્વાસનની વચ્ચે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ હેઠળ વિવિધ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૧ માસના કરાર આધારિત ‘જ્ઞાન સહાયક‘ની ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે.

આ ભરતી “જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)” અને “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” હેઠળ કરવામાં આવશે.

આ કરાર આધારિત નિમણૂક માટે સરકાર દ્વારા માસિક ફિક્સ મહેનતાણું નક્કી કરવામાં આવ્યું છે, જે અનુભવી શિક્ષકોની કાયમી જગ્યાની સરખામણીએ ઓછું છે. જ્ઞાન સહાયક (પ્રાથમિક) ને રૂ. ૨૧,૦૦૦ નું ફિક્સ માસિક મહેનતાણું, જ્ઞાન સહાયક (માધ્યમિક) ને રૂ. ૨૪,૦૦૦ અને જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) ને રૂ. ૨૬,૦૦૦ નું ફિક્સ માસિક મહેનતાણું ચૂકવવામાં આવશે. આ નિમણૂક માત્ર ૧૧ માસના કરાર માટે રહેશે, જે ગુજરાતના શિક્ષણ માળખામાં તત્કાળ શિક્ષકોની અછતને પૂરી કરવા માટેનો કામચલાઉ ઉપાય ગણાય છે.

આપણ વાચો: ગુજરાતમાં આજથી જ્ઞાન સહાયક ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂઃ અરજી કરવાની છેલ્લી તા. 5મી ઓગસ્ટ

આ જગ્યાઓ માટે ઉમેદવારોએ સંબંધિત વેબસાઇટ પર જઇને ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ સોમવાર, ૦૨/૧૨/૨૦૨૫ (બપોરે ૧૪:૦૦ કલાકથી) છે, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ બુધવાર, ૧૨/૧૨/૨૦૨૫ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી) રહેશે.

ઉમેદવારોએ અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકવામાં આવેલી આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા ફરજિયાત વાંચી લેવાની રહેશે.

ઉમેદવારોએ નોંધ લેવી જરૂરી છે કે, જ્યારે પણ તેમને પ્રમાણપત્રોની ખરાઈ માટે રૂબરૂ બોલાવવામાં આવે, ત્યારે તેમણે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું પડશે. વયમર્યાદાની ગણતરી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button