ઈન્જેક્શન મારો અને iPhone ગાયબ! અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પાર્સલ ચોરોની ‘હાઈટેક’ ગેંગનો કર્યો પર્દાફાશ

અમદાવાદ: આજકાલ જેટલી ગતિથી જમાનો અને ટેકનોલોજી એડવાન્સ થઈ રહી છે, તેટલી જ ગતિથી ગઠિયાઓ પણ એડવાન્સ બનીને આંખમાં ધૂળ નાખીને ગુનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો હતો. જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ પ્લેટફોર્મ પરથી આવતા પાર્સલમાંથી વસ્તુને કાઢીને નકલી પેક પધરાવી દેતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી હતી.
આજના જમાનામાં ઓનલાઇન પ્લેટફોર્મ પરથી વસ્તુઓની ખરીદી કરવાનું ચલણ વધ્યું છે, ત્યારે આપણને પણ એવું જ હોય કે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આવતું પાર્સલ કોઈ ખોલી શકે નહિ. જો તમે પણ આવું માનો છો તો અમદાવાદનો એક કિસ્સો તમારી આંખ ખોલી નાખશે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન શોપિંગના પાર્સલમાંથી કિંમતી સામાન ચોરી કરી નકલી વસ્તુઓ પધરાવી દેતી એક હાઈટેક ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી કુરિયર બોક્સને એવી રીતે ખોલતી હતી કે કંપનીને પણ શંકા ન જાય. પોલીસે જ્યારે આરોપીઓને ઝડપ્યા ત્યારે તેઓએ પોલીસની હાજરીમાં માત્ર બે જ મિનિટમાં ઈન્જેક્શન અને ખાસ પ્રવાહીની મદદથી પાર્સલ ખોલી, અસલી આઈફોન કાઢીને નકલી ફોન પેક કરી બતાવતા ખુદ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
ક્રાઈમ બ્રાંચના ડીસીપીના જણાવ્યા અનુસાર, આ ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ વ્યવસ્થિત હતી. ગેંગના માસ્ટરમાઈન્ડ્સ પહેલા પોતાના માણસોને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજસ્થાનના જાલોર જેવા શહેરોમાં કુરિયર કંપનીઓમાં ડિલિવરી બોય તરીકે નોકરી પર રાખતા હતા. ત્યારબાદ, ફેક આઈડીનો ઉપયોગ કરીને મોંઘા આઈફોન અને અન્ય ગેજેટ્સના ઓર્ડર આપવામાં આવતા હતા. પાર્સલ ગ્રાહક સુધી પહોંચે તે પહેલાં જ, કંપનીમાં રહેલો તેમનો સાગરીત પેકેજને આંતરી લેતો હતો.
આ ટોળકી પાસે પાર્સલ ખોલવા માટેની ખાસ ‘સ્કેમ કિટ’ હતી, જેમાં ગ્લૂ રિમૂવર, ઈન્જેક્શનની સિરીંજ અને ખાસ સ્ટીલના સાધનોનો સમાવેશ થતો હતો. આ સાધનોની મદદથી તેઓ પાર્સલનું સીલ એવી રીતે ખોલતા કે કોઈને ખબર ન પડે. અસલી પ્રોડક્ટ કાઢીને તેમાં તેના જેવી જ દેખાતી ડમી વસ્તુ ભરી દેતા અને ત્યારબાદ ઓર્ડર કેન્સલ અથવા રિટર્ન કરી દેતા હતા. ચોરી કરેલો અસલી સામાન તેઓ બ્લેક માર્કેટમાં વેચીને મોટો નફો કમાતા હતા. પોલીસે તેમની પાસેથી 8 અસલી ફોન, 25 ડમી ફોન, એપલ વોચ અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે એક સ્કોર્પિયો ગાડી પણ જપ્ત કરી છે.
ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાનના રામલાલ ઉર્ફે રોમિલ ગેહલોત, મનોજ કુમાર માલી, ભરત કુમાર સુંદેશા તેમજ સુરતના વિશાલ પંચાલ અને અમદાવાદના વિશાલ બાવરીનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ જાન્યુઆરી 2026માં વડોદરામાંથી આઈફોન 17 પ્રો મેક્સ અને ઓક્ટોબર 2025માં સુરતમાંથી અનેક એપલ વોચની ચોરી કરી હતી. હાલ પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓ ઋષિપાલ ભાટી અને વિનોદને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.



