અમદાવાદમાં પ્રેમીએ અશ્લીલ વીડિયો મોકલતાં પ્રેમિકાએ 14માં માળેથી લગાવી મોતની છલાંગ…

અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પ્રેમીએ અશ્લીલ વીડિયો મોકલતાં પ્રેમિકાએ 14માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ યુવતીનો તેના પાર્ટનર સાથેના અંગત પળનો વીડિયો તેની સમંતિ વિના વાયરલ થયા બાદ તેણે આત્મહત્યા કરી હતી. આ મામલે મૃતકના મિત્રએ બે યુવકો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે ફરિયાદ નોંધાવી હતી.
શું છે મામલો
મળતી માહિતી મુજબ મૃતક યુવતી લાંબા સમય સુધી મોહિત ઉર્ફે મિત્રજ મકવાણા સાથે રિલેશનશિપમાં હતી. શરૂઆતમાં બંનેના અંગત પળનો વીડિયો મોહિતના ફોનમાં ઉતારવામાં આવ્યો અને બાદમાં હાર્દિક રબારી નામના વ્યક્તિએ આ વીડિયો તેના ફોનમાંથી લીધો હતો. 2 જુલાઈની સાંજે મૃતક યુવતીએ પોતાની મહિલા મિત્ર કાજલબહેનને આ વિશે ફોન કરીને જાણ કરી અને કહ્યું કે, મેં મારા વાંધાજનક વીડિયો હાર્દિકના ફોનમાં જોયા હતા. જે બાદ મૃતક યુવતીએ તેની મિત્ર કાજલબહેન અને તેના પતિ સાથે વૈષ્ણોદેવી સર્કલ પર હાર્દિકને મળવા ગયા હતા. અહીં હાર્દિકે મૃતક યુવતીનો વાંધાજનક વીડિયો ત્રણેયને બતાવ્યો અને ત્યારબાદ મોહિતને મળ્યા અને મોહિતને પણ વીડિયો ડિલીટ કરવાની માંગ કરી હતી. જોકે, મોહિતે શરૂઆતમાં તેનો ઈનકાર કર્યો, ત્યારબાદ મૃતક મહિલાએ પોલીસને ફોન કર્યો અને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી.
ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મોહિતના ફોનમાંથી વીડિયો ડિલીટ કરાવીને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જોકે, બીજા દિવસે પણ યુવતીને આ વીડિયો વિશે ચિંતા થતી હતી. 3 જુલાઈએ તેણે પોતાની મહિલા મિત્રને જાણ કરી કે, તે પોતાના મિત્ર જયરાજ સિંહ સાથે બહાર ફરવા જાય છે અને પરત નહીં ફરે. જોકે, બીજા દિવસે વહેલી સવારે યુવતીએ જયરાજના ઘરે 14માં માળેથી નીચે કૂદી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. ઘટનાના પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે યુવતીએ આપઘાત કર્યો છે કે તેને ધક્કો મારવામાં આવ્યો હતો તેની તપાસ શરૂ કરી હતી.