ગર્લ ફ્રેન્ડને સંબંધી ન ગણી શકાયઃ ગુજરાત હાઇ કોર્ટ

અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટે વધુ એક વખત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે ગર્લ ફ્રેન્ડને સંબંધી ગણવાની ના પાડી હતી. કોર્ટે એક આદેશમાં ફરિયાદ કરનારી મહિલાના પતિની કથિત ગર્લ ફ્રેન્ડ સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરી હતી. ગર્લફ્રેન્ડ સંબંધીની વ્યાખ્યામાં આવતી ન હોવાનું કહ્યું હતું.
શું છે મામલો
કોર્ટે અમદાવાદ શહેર પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ક્રૂરતા, વિશ્વાસઘાત અને ગુનાહિત ધમકી સહિતના ગુનાઓ માટે નોંધાયેલી એફઆઈઆરમાં નામ ધરાવતી મહિલાની અરજી પર સુનાવણી કરી રહી હતી. પતિની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ મહિલા પતિની ગર્લફ્રેન્ડ છે. જોકે, કોર્ટે નોંધ્યું કે, અરજદાર ફરિયાદ કરનારના પતિ સાથે સંબંધમાં હતી તેવા આક્ષેપો સિવાય, અરજદાર વિરુદ્ધ અન્ય કોઈ આક્ષેપો કરવામાં આવ્યા નથી.
આ કેસની અધ્યક્ષતા કરી રહેલા ન્યાયાધીશ જે.સી. દોશીએ કલમ 498A હેઠળના આરોપો અરજદારને લાગુ ન થઈ શકે તે નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટના સ્થાપિત ચુકાદાઓ પ ર આધાર રાખ્યો હતો. કોર્ટે દેચમ્મા આઈ એમ કૌશિક અને યુ સુવેથાના કેસોમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયોને ટાંક્યા હતા.
સુપ્રીમ કોર્ટને ટાંકીને ન્યાયધીશ દોશીએ નોંધ્યું, કોઈ પણ સંજોગોમાં ગર્લફ્રેન્ડ સંબંધી ગણી શકાય નહીં. સંબંધી શબ્દ તેના કાર્યક્ષેત્રમાં એક ચોક્કસ દરજ્જો લાવે છે. આવો દરજ્જો કાં તો લોહી, લગ્ન અથવા દત્તક દ્વારા મળવો જોઈએ. આમ કહી હાઇ કોર્ટે જે સ્ત્રી સાથે પુરુષે લગ્નની બહાર રોમેન્ટિક કે જાતીય સંબંધ રાખ્યો હોય તેને “સંબંધી તરીકે ગણી શકાય નહીં તે સિદ્ધાંતને સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો…ગુજરાત હાઇ કોર્ટે બુટલેગર વિજુ સિંધીને આપ્યો ઝટકો, દુબઈથી પ્રત્યાર્પણનો માર્ગ થયો મોકળો



