અમદાવાદ

જર્મની અમદાવાદમાં કોન્સ્યુલેટ ઓફિસ ખોલશે, ગુજરાતીઓને થશે આ ફાયદો…

અમદાવાદઃ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગઈકાલે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ સાબરમતી આશ્રમ બાદ રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. જ્યાં આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલનો આરંભ કરાવ્યો હતો. આ પછી પીએમ મોદી અન જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની હાજરીમાં બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે કેટલાક સમજૂતિ કરાર થયા હતા.

આ દરમિયાન જર્મની અને ભારત વચ્ચે એક નવી સહમતિ સધાઈ હતી. જે મુજબ અમદાવાદમાં એક કોન્સ્યુલ ઓફિસ ખોલવાનો મુદ્દો પણ હતો. મોદી અને મર્ઝ વચ્ચે થયેલા કરારમાં સ્પષ્ટતા કરવામાં આવી કે, જર્મની અમદાવાદમાં એક માનદ કોન્સ્યુલ ઓફિસ ખોલશે. જેથી ગુજરાતી અને ભારતીયોના વિઝા, વેપાર, પ્રવાસ, જર્મની સ્થિત ગુજરાતીઓને જરૂરના સમયે મદદ જેવી બાબતો પર વિશેષ સવલત મળશે. તેમજ જર્મન સરકાર સાથેનું સંકલન સરળ બનશે.

ટ્રાન્ઝિટ વિઝા ફીની ટૂંક સમયમાં થશે જાહેરાત

આ ઉપરાંત ટૂંક સમયમાં ભારત અને જર્મની વચ્ચે ટ્રાન્ઝિટ વિઝા ફી જતી કરવા મુદ્દે જાહેરાત કરવામાં આવશે. જર્મન ચાન્સેલરની મુલાકાત વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે વિચાર બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ થાય તો જ્યારે પણ ભારતીય નાગરિકો અન્ય દેશમાં પ્રવાસ કરતી વખતે જર્મનીમાં હોલ્ટ લઈને કનેક્ટિંગ ફ્લાઈટ પકડે તો તેમને થતો વધારાનો ખર્ચ અટકશે.

આ અંગે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, જર્મન સરકાર દ્વારા ભારતીય નાગરિકોને જર્મની મારફતે અન્ય દેશોમાં મુસાફરી કરવા માટે અલગ ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાતમાંથી મુક્તિ આપવા અંગે સિદ્ધાંતરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ આ બાબતે સત્તાવાર જાહેરાત થયા તે પહેલાં જરૂરી કાનૂની અને આંતરિક પ્રક્રિયાઓ પૂર્ણ થવાની રાહ જોવી જોઈએ. આ પ્રક્રિયા પૂરી થયા બાદ અમલમાં આવશે તો ભારતીય નાગરિકોની મુસાફરી વધુ સરળ બનશે અને લોકો વચ્ચેના સંપર્કને પ્રોત્સાહન મળશે.

ભારત અને જર્મની વચ્ચે માઈગ્રેશન અને એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ છે, જેના પરિણામે ભારતમાંથી સ્કીલ્ડ મેનપાવર, વિદ્યાર્થીઓ સહિત જર્મની તરફ સારો પ્રવાહ જોવા મળ્યો છે. જર્મન ચાન્સેલરે તબીબો, નર્સ, આઈટી અને સાયન્સ ટેકનોલોજી જેવા ફિલ્ડમાં જર્મનીમાં મોટી માંગ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો…જર્મન બિઝનેસ ડેલીગેશનની સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક, ઉદ્યોગોમાં વધુ રોકાણ માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાશે

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button