અમદાવાદઃ ન્યૂ મણીનગમાં જર્મન શેફર્ડે બે બાળકો પર હુમલો કર્યો, જાણો વિગત

અમદાવાદઃ શહેરમાં પાલતુ શ્વાનના હુમલાની વધુ એક ઘટના સામે આવી હતી. ન્યૂ મણીનગર વિસ્તારમાં જર્મન શેફર્ડે બે બાળકો પર હુમલો કર્યો હતો. મહિલા શ્વાનને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી, ત્યારે બાળક શ્વાનને જોઈને ભાગ્યા હતાં. બાળકોને ભાગતા જોઈને શ્વાને બાળકની પાછળ દોટ મુકી હતી. એક બાળક નીચે પડી જતાં દાંત બેસાડી દીધા હતા. ઈજાગ્રસ્ત બંને બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે.
ન્યૂ મણીનગર વિસ્તારમાં કર્ણાવતી રિવેરા ફ્લેટની પાસે આવેલા શરણમ એલીગન્સ નામના ફ્લેટમાં 5 નવેમ્બરના છ વર્ષનો બાળક નીચે પાર્કિંગમાં રમતો હતો, ત્યારે ફ્લેટમાં રહેતા પાપાબેન ઉર્ફે સંગીતાબેન વનિયર તેમનું પાલતુ કુતરુ જર્મન શેફર્ડ લઈને નીચે ફરતા હતા. દરમિયાનમાં છ વર્ષીય બાળક જ્યારે પાર્કિંગમાંથી પસાર થતો તો ત્યારે જર્મન શેફર્ડે અચાનક જ આ બાળક ઉપર હુમલો કરી દીધો હતો, જેથી બાળક ગભરાઈ ગયો હતો અને દોડવા જતા તેને સામાન્ય બચકું ભરી લીધું હતું. કૂતરાના હુમલાથી બાળકને દાંત બેસી ગયા હતા.
બાળક ખૂબ જ ગભરાઈ ગયું હતુ અને તરત જ નીચે પડી જતા ઉભું થઈ અને તેના માતાને જાણ કરી હતી. આ બાબતે બાળકના પિતાને જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક ઘરે આવી ગયા હતા. ત્યારબાદ બાળકના પિતાને જાણવા મળ્યું હતું કે, સોસાયટીમાં રહેતા અન્ય એક વ્યક્તિના બાળકને પણ આ શ્વાન કરડ્યું હતું, જેથી બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપવામાં આવી હતી. એક જ ફ્લેટમાં રહેતા બે બાળકોને શ્વાન કરડવાની ઘટનાથી રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.
આ પહેલા મે મહિનામાં પણ શહેરમાં આવી ઘટના બની હતી. હાથીજણમાં રહેતી એક યુવતી પાલતુ શ્વાન લઈને ટહેલવા નીકળી હતી. આ દરમિયાન તે ફોન પર વાતો કરી રહી હતી ત્યારે શ્વાન હાથમાંથી છૂટો ગયો હતો અને તેણે અન્ય યુવતી અને ચાર મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને યુવતીના ખોળામાંથી ખૂંચવી લઈ બચકાં ભર્યા હતા. ત્યાર બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી. બાળકીને લઈને આવેલી યુવતીને પણ શ્વાને બચકાં ભરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પહેલી જાન્યુઆરીથી પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવાયું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે 200 રૂપિયા ફી છે તેમ જ શ્વાનના ફોટોગ્રાફ સાથે જગ્યાના પુરાવા પણ આપવા એટેચ કરવા પડે છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન તથા એનિમલ બર્થ કંટ્રોલ ડોગ્સ રુલ્સ-2023 ઉપરાંત રેબીસ ફ્રી અમદાવાદની ગાઈડલાઈન અનુસાર અમદાવાદમાં પહેલી જાન્યુઆરીથી પેટ ડોગ રાખવા ર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
આપણ વાંચો: ખેડૂતો માટે ચાલતી આ સરકારી યોજનાનો રાજ્યમાં જ અમલ નહીં, પાંચ વર્ષ પહેલા કરી હતી જાહેરાત



