જર્મનીના ચાન્સેલરને કહીને મોદીજી ગુજરાતની દીકરી અરીહા શાહને ન્યાય અપાવે…

અમદાવાદઃ જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. સાબરમતી આશ્રમની મુલાકાત બાદ તેઓ રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. આ બંને સમયે વડા પ્રધાન મોદી તેમની સાથે રહ્યા હતા અને દરેક વાતથી માહિતગાર કર્યા હતા. આ દરમિયાન જર્મનીના ચાન્સેલરને કહીને મોદીજી ગુજરાતની દીકરી અરીહા શાહને ન્યાય અપાવે તેવી માંગ ગુજરાતથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી હતી.
શક્તિસિંહ ગોહિલે બીજું શું કહ્યું
શક્તિસિંહ ગોહિલે કહ્યું, અરીહા શાહ જયારે માત્ર નવ મહિનાની હતી ત્યારે પરિવાર પાસેથી તેને લઈને જર્મની સરકારે ફોસ્ટર કેર સરકારી પાલક દેખભાળ સેન્ટરમાં રાખી હતી. અરીહા શાહને જર્મનીના પાલક સેન્ટરમાંથી મુક્ત કરાવી તેના માતાપિતાને સુપ્રત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. UN અન્વેશનમાં સ્પષ્ટ નક્કી થયું છે કે દુનિયાના કોઈપણ બાળકને પોતાની સંસ્કૃતિ અને પોતાના સંસ્કાર જાળવી રાખવાનો સંપૂર્ણ અધિકાર છે. એક તો દીકરીને જબરજસ્તીથી પાલક સેન્ટરમાં રાખી છે અને ઉપરાંત 2024સુધીનું પાલક સેન્ટરનું ખર્ચનું 24 લાખ રૂપિયાનું બીલ બાળકીના માતાપિતાને આપ્યું છે.

શું છે સમગ્ર કેસ
મૂળ અમદાવાદના ઘાટલોડિયાના રહેવાસી ધારા શાહ 2018માં જર્મની ગયા હતા. ત્યારે જર્મનીમાં તેમના સાસુથી અજાણતા બાળકી (અરીહા)ને ઈજા પહોંચી હતી. બાળકીને ઈજા પહોંચતા તેઓ બાળકીને હોસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચતા બાળકીનો કબજો જર્મન ચાઈલ્ડ સર્વિસીસે લઈ લીધો હતો અને ધારા શાહ અને તેમના પરિવાર પર સેક્યુઅલ અબ્યુસનો ચાર્જ લગાવ્યો હતો. જોકે, પુરાવા આપ્યા બાદ સેક્યુઅલ અબ્યુસનો ચાર્જિસ હટાવવામાં આવ્યો હતો.
માતા ધારા શાહે અનેક જગ્યાએ અનેક કરી છે રજૂઆત
પરંતુ હજી પણ બાળકીનો કબજો જર્મન ચાઈલ્ડ સર્વિસિસ દ્વારા રાખવામાં આવ્યો છે. આ અંગે તેમણે ભારત સરકારના સામાજિક કલ્યાણ મંત્રાલયને પણ રજૂઆત કરી છે. બાળકીનો પાસપોર્ટ પણ હાલ જર્મન સરકારના કબજામાં છે, જેથી મહિલાને એ ચિંતા પણ સતાવી રહી છે કે જો કાયદાકીય લડાઈ લાંબી ચાલી તો બાળકી ભારતીય કલ્ચર સાથેનો સંપર્ક ગુમાવી બેસશે. બાળકીનો કબજો પરત મેળવવા માતા ધારા શાહે અનેક જગ્યાએ રજૂઆત કરી છે. તેમ છતાં બાળકીનો કબજો પરત મળ્યો નથી. કાયદાની ગૂંચવણ એટલી જટીલ છે કે સપ્ટેમ્બર 2021થી પોતાની માસૂમનો કબ્જો નથી મેળવી શક્યા. જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે અમદાવાદ અને ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે બાળકીનો કબ્જો તેના માતા-પિતાને મળે તેવી માંગ ઉઠવા પામી છે.



