દિવાળીની ભીડમાં મુસાફરોને મોટી રાહત: અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી આ ટ્રેનમાં વધુ એક-એક જનરલ કોચ મળશે

અમદાવાદ: હાલ દિવાળીના તહેવાર પર ટ્રેન, બસ સહિત તમામ જગ્યાએ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે મુસાફરોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ એક મહત્વનો નિર્ણય લીધો છે. ભાવનગર રેલવે મંડળની ત્રણ જોડી પેસેન્જર ટ્રેનોમાં કાયમી ધોરણે એક-એક વધારાનો જનરલ કોચ જોડવામાં આવશે. આ નિર્ણયથી મુસાફરોને વધુ બેઠક વ્યવસ્થા મળશે અને ટ્રેનોમાં થતી ભીડમાં રાહત મળશે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આ કોચની વૃદ્ધિથી મુસાફરોને વધુ સુવિધા મળશે અને તેમની મુસાફરીનો અનુભવ વધુ સારો બનશે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ઉમેર્યું કે, “આ કોચોની વૃદ્ધિથી મુસાફરોની ભીડ નિયંત્રિત કરવામાં સહાય મળશે અને મુસાફરી વધુ આરામદાયક તથા સુગમ બનશે. પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા અને સેવા ગુણવત્તામાં સતત સુધારો કરવા પ્રતિબદ્ધ છે.”
કઈ ટ્રેનોમાં વધારો થશે?
૫૯૫૫૩/૫૯૫૫૪ ગાંધીગ્રામ – બોટાદ – ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર ટ્રેનમાં (Gandhigram-Botad-Gandhigram Daily Passenger Train) ગાંધીગ્રામથી: ૧૪.૧૦.૨૦૨૫ થી અને બોટાદથી: ૧૫.૧૦.૨૦૨૫ થી, ૫૯૫૫૫/૫૯૫૫૬ ગાંધીગ્રામ – બોટાદ – ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર ટ્રેનમાં (Gandhigram-Botad-Gandhigram Daily Passenger Train) ગાંધીગ્રામથી ૧૪.૧૦.૨૦૨૫ થી અને બોટાદથી: ૧૫.૧૦.૨૦૨૫ થી તેમજ ૦૯૨૧૧/૦૯૨૧૨ ગાંધીગ્રામ – બોટાદ – ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ ટ્રેનમાં (Gandhigram-Botad-Gandhigram Daily Special Train)ગાંધીગ્રામથી: ૧૫.૧૦.૨૦૨૫ થી અને બોટાદથી: ૧૪.૧૦.૨૦૨૫ થી જોડવામાં આવશે.