કચ્છ જનારાઓ નોંધ લેજો: સયાજીનગરી, કચ્છ અને નમો ભારત સહિતની અનેક ટ્રેનો રદ અને ડાયવર્ટ…

જાણો વિગતવાર લિસ્ટ…
અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા ગાંધીધામ-ભુજ સેક્શન પર ‘ગાંધીધામ કેબિન-આદીપુર ટ્રેકના સમારકામની કામગીરીને લઈને આગામી 4 થી 13 ફેબ્રુઆરી 2026 દરમિયાન ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે. જે કચ્છ તરફ રેલવેની મુસાફરી કરનારા મુસાફરોને ખાસ અસર કરશે.
આ કામગીરીને પગલે અનેક મહત્વની ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જેમાં પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ (19405/06) 5 થી 13 ફેબ્રુઆરી દરમિયાન રદ રહેશે. આ ઉપરાંત, ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (12966/65/59/60) અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (22952/51) ફેબ્રુઆરીની જુદી જુદી તારીખે રદ કરવામાં આવી છે. તે જ રીતે, બાંદ્રા અને ભુજ/ગાંધીધામ વચ્ચે ચાલતી સ્પેશિયલ ટ્રેનો (09415/16 અને 09009/10/11/12) પણ આ સમયગાળા દરમિયાન બંધ રહેશે.
સયાજીનગરી એક્સપ્રેસ (20907/08) અને કચ્છ એક્સપ્રેસ (22955/56) જેવી મુખ્ય ટ્રેનો ફેબ્રુઆરીના બીજા સપ્તાહ દરમિયાન ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ઉપરાંત, બરેલી-ભુજ એક્સપ્રેસ (14321/11) અને ભુજ-બરેલી એક્સપ્રેસ (14322/12) 4 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીધામ અથવા સામખીયાળી સુધી જ દોડશે. બાંદ્રા ટર્મિનસ-ભુજ એસી એક્સપ્રેસ અને નાગરકોઈલ-ભુજ એક્સપ્રેસ જેવી લાંબા અંતરની ટ્રેનો પણ અમદાવાદ કે ગાંધીધામ સ્ટેશને મુસાફરી પૂર્ણ કરશે.
નવી શરૂ થયેલી નમો ભારત એક્સપ્રેસ (94801/02) પણ આ કામગીરીથી પ્રભાવિત થશે, જે 5 થી 13 ફેબ્રુઆરી દરમિયાન અલગ-અલગ તારીખે ગાંધીધામ અથવા ધ્રાંગધ્રા સુધી જ કાર્યરત રહેશે. આ સાથે પુણે-ભુજ, દિલ્હી સરાઈ રોહિલ્લા-ભુજ અને ભગત કી કોઠી-ગાંધીધામ જેવી ટ્રેનોને પણ આંશિક રીતે રદ કરવામાં આવી છે. રેલવે દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે તે ટ્રેનો તેના આંશિક રદ કરાયેલા સેક્શન સિવાયના રૂટ પર રાબેતા મુજબ દોડશે.
દાદર-ભુજ સયાજીનગરી એક્સપ્રેસ (20907/08) અને કચ્છ એક્સપ્રેસ (22955/56) જેવી પ્રીમિયમ ટ્રેનોને આદીપુર – ગાંધીધામ કેબિન – ભીમાસર થઈને ડાયવર્ટ કરવામાં આવશે. આ ડાયવર્ઝન 5 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી 2026 દરમિયાન અલગ-અલગ તારીખે લાગુ રહેશે, જેના કારણે આ ટ્રેનોના નિર્ધારિત સમયમાં થોડો ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત, દિલ્હી સરાઈ રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ (20984) ને પણ 11 ફેબ્રુઆરીના રોજ ભીમાસર – ગાંધીધામ કેબિન – આદીપુર માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવી છે.



