સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ગોલ્ડન ચાન્સ! 10 શહેરોમાં સ્પર્ધાત્મક પરીક્ષાના મળશે મફત કોચિંગ; જાણો વિગતો

અમદાવાદ: ગુજરાતમાં યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. કારણ કે રાજ્યના 10 શહેરોમાં, સાત યુનિવર્સિટીઓ અને ત્રણ સરકારી કોલેજોમાં IAS (ભારતીય વહીવટી સેવા) અભ્યાસ કેન્દ્રોમાં સરકારી ભરતીની પરીક્ષાની તૈયારીનો લાભ મળી રહેશે. કેસીજી દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટેની પ્રવેશ પરીક્ષા માટે અરજી મંગાવવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત (કેસીજી) અમદાવદ દ્વારા IAS સ્ટડી સેન્ટર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે વર્ષ ૨૦૨૫-૨૬ માટેની પરીક્ષાની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે ૨૦ વર્ષ પૂર્ણ થયેલ હોય અને સ્નાતકની ડીગ્રી ધરાવનાર વ્યક્તિ અરજી કરી શકશે. આ માટે રાજ્યમાં કુલ ૧૦ કેન્દ્રો ઉપલબ્ધ છે અને દરેક કેન્દ્ર પર 100 જગ્યાઓ છે. તે પૈકી દરેક કેન્દ્ર પર 41 બેઠક જનરલ કેટેગરી માટે, 7 બેઠકો એસસી કેટેગરી માટે, ૧૫ બેઠકો એસટી ટેગરી માટે, ૨૪ બેઠકો એસઈબીસી ટેગરી માટે તેમજ ૧૦ બેઠકો ઈડબ્લ્યુએસ ટેગરી માટે ફાળવવામાં આવી છે.
રાજ્યમાં ક્યા છે કેન્દ્ર?
સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કેન્દ્રોમાં (૧) ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા (સરકારી પોલીટેકનિક ખાતે), (૨) સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, (૩) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત, (૪) કચ્છ યુનિવર્સિટી, ભુજ, (૫) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, (૬) જૂનાગઢ યુનિવર્સિટી, જૂનાગઢ, (૭) ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર, (૮) ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ, (૯) એમ.એન. કોલેજ, વિસનગર અને (૧૦)સરકારી વાણિજ્ય કોલેજ, ગાંધીનગરનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓ ફી ભરવાની રહેશે?
ઉમેદવારોએ આ માટે https://gtuadm.samarth.edu.in/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ કેન્દ્રોમાં પ્રવેશ સામાન્ય પ્રવેશ પરીક્ષાના આધારે થશે. દરેક કેન્દ્રમાં ૧૦૦ બેઠકો હશે, જે રાજ્યભરમાં કુલ ૧૦૦૦ બેઠકો બનાવશે. કોઈ ટ્યુશન ફી લેવામાં આવશે નહીં, જોકે વિદ્યાર્થીઓએ ₹૨,૫૦૦ જમા કરાવવાની રહેશે, જે પરતપાત્ર રહેશે. ઓછામાં ઓછી ૭૫% હાજરી ફરજિયાત રહેશે. પ્રવેશ પરીક્ષા 200 ગુણની સામાન્ય અભ્યાસ પરીક્ષા હશે.
15 સપ્ટેમ્બર સુધી થઇ શકશે અરજી
પ્રાથમિક પરીક્ષા માટેની નોંધણી 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લી રહેશે, જેની ફી ₹300 છે. પાત્રતા માપદંડોમાં ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 32 વર્ષનો સમાવેશ થાય છે. ઉમેદવાર ગુજરાતની યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ અથવા રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. પરીક્ષાના પરિણામોના આધારે મેરિટ યાદીઓ તૈયાર કરવામાં આવશે. ત્રણ ટકા બેઠકો દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવશે, જ્યારે શ્રેણીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.
આ પણ વાંચો…..SPIPAની મેહનત રંગ લાવી! ગુજરાતના આટલા ઉમેદવારોએ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પરીક્ષા પાસ કરી